ડાકોરઃ ડાકોરમાં ચૈત્રી પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન કરવા એક લાખથી વધુ ભક્તો ઉમટયા હતા.
ચૈત્રી પુનમે મંગળા બાદ ઠાકોરજીને કેસર સ્નાન કરાવી સુંદર મુગટ, અલંકારથી સુશોભિત કરાયા હતા. જે દર્શન સવારે ૭.૩૦ સુધી ખૂલ્લા રહ્યા હતા. બાદમાં બાલભોગ, ગોવાળભોગ, શણગાર ભોગ સાથે ધરાવાયા હતા. જે બંધબારણે અર્પણ કરાયા હતા. બાદમાં દર્શન સવારે ૮થી બપોરે ૧ કલાક સુધી ખૂલ્લા રહ્યા હતા. રાજભોગ ધરાવ્યા બાદ ઠાકોરજીને બપોરે ૩ કલાકે પોઢાડી દેવાયા હતા. સાંજે ૪ કલાકે ઉસ્થાપન આરતી, રાતે ૮ કલાકે સખડી ભોગ પછી ફરી પોઢાડી દેવાયા હતા. એક લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ઉનાળાની ગરમીમાં ભક્તોને અસુવિધા નડી હતી. મંદિરની બહાર બૂટ- ચંપલોનો ઢગલો પડયો રહ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં ઉઘાડા પગે ડાકોર છોડીને જવું પડયું હતું.