Supreme Court and Tamilnadu news : તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.
વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.