અમદાવાદ : દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા માટે ૨૦૧૫માં મોદી સરકારે લોન્ચ કરેલ સોવરિન ગોલ્ડ બોન્ડ વધુ એક મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે. કેન્દ્ર સ્થાને સરકાર બનાવ્યા બાદ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની મોદી સરકારે ૨૦૧૫માં સોનાની આયાત ઘટાડવા, ગોલ્ડ મોનેટાઈઝેશન અને ડિજિટલ રોકાણોને પ્રોત્સાહન આપવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (એસજીબી) યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશની વિદેશી હૂંડિયામણ બચાવવાનો અને સોનાની ભૌતિક માંગ ઘટાડવાનો હતો. જોકે સોનાના ભાવમાં ઉત્તરોતર વધારા અને રોકાણ પરના સરકાર તરફથી નિર્ધારિત નિશ્ચિત વ્યાજને કારણે આ યોજના હવે સરકાર માટે નાણાંકીય બોજ બની રહી છે.
પદભાર સંભાળ્યા બાદ ચોતરફ આર્થિક ક્રાંતિ લાવી દેવાની આશાએ પેપર પર સારી જણાતી આ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હવે સરકાર માટે અંદાજે ૧૩ અબજ ડોલરનું ભારણ બની રહી છે. ભારતમાં સામાન્ય રીતે સોનાને સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત રોકાણ માધ્યમ માનવમાં આવે છે. સોનામાં ભારતીય દ્વારા સદીઓથી થતી ભૌતિક ખરીદીને રોકવા અને ડિજિટલ માધ્યમના સોનાનો વ્યાપ વધારીને દેશને સોનાની ખરીદીથી પડતા આર્થિક બોજાને ઘટાડવા માટે મોદી સરકારે આ ડિજિટલ સોવરિન ગોલ્ડ બોન્ડ શરૂ કરી હતી.
એક અહેવાલ અનુસાર આ યોજનાને કારણે સરકારને અત્યાર સુધીમાં લગભગ ૧.૦૮ લાખ કરોડનો નાણાકીય બોજ સહન કરવો પડયો છે. સોનાના ભાવમાં થયેલા ભારે ઉછાળાને કારણે, પાકતી મુદતે ગોલ્ડ બોન્ડ પર સરકારની જવાબદારી સતત વધી રહી છે. માત્ર વધી રહેલા સોનાના ભાવ જ નહિ પરંતુ સરકારે આ સોવરિન બોન્ડ પર ખરીદારોને નિશ્ચિત દર પર વ્યાજ ચૂકવવાની પણ બાંહેધરી આપતા પડતા પર પાટું થયું છે.
૨૦૧૬-૧૭ની સિરીઝ ૪ના ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ ૨૯૪૩ રૂપિયા હતી, જે હવે આજે પ્રતિ ગ્રામ ૮૬૩૪ રૂપિયા થઈ ગઈ છે એટલે કે રોકાણકારોને વાર્ષિક ૨.૫ ટકાના સરકાર નિર્ધારિત નિશ્ચિત વ્યાજ સાથે ૨૦૦ ટકાનું શાનદાર વળતર મળ્યું હતું. જોકે આ પેપર ગોલ્ડ ખરીદારોનો ફાયદો સરકાર માટે આર્થિક ફટકો બન્યો છે.
એક દશકા અગાઉ સરકારને લાગેલી આ ‘સોનેરી સપનાની સ્કીમ હવે મોંઘી વાસ્તવિકતા’ બની છે.
માત્ર સોનાના ભાવ અને નિશ્ચિત વ્યાજ જ સરકાર માટે બોજ નથી બન્યા પરંતુ ઉત્તરોતર ભારતીય ચલણ રૂપિયામાં યુએસ ડોલરની સામે આવેલા ઘસારાના કારણે પણ સરકારનો ખર્ચ વધ્યો છે.
આ ગોલ્ડ બોન્ડમાં કેટલા લોકોએ રોકાણ કર્યું છે તેનો ચોક્કસ ડેટા આરબીઆઈએ જાહેર નથી કર્યો. જોકે ૨૦૨૪ના આરબીઆઈના વાષક અહેવાલ મુજબ આ યોજનામાંથી રૂ. ૭૨,૨૭૪ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા એટલે કે લગભગ ૧૪૬.૯૬ ટન સોનું ખરીદવામાં આવ્યું છે.
અત્યાર સુધી એસજીબીના કુલ ૬૭ તબક્કા સરાકર દ્વારા આરબીઆઈ થકી બહાર પાડવામાં આવ્યા છે. આજે ૧૩૨ ટન ગોલ્ડ બોન્ડ હજુ પણ રોકાણકારો પાસે છે. ૬૭ તબક્કામાંથી સરકારે અત્યાર સુધી ફક્ત છ તબક્કા રીડિમ કર્યા છે. બાકીના ૧૩૨ ટનની કિંમત આજના બજાર ભાવે રૂ. ૧.૧૨ લાખ કરોડથી વધુ છે.
વધતા નાણાકીય બોજને ધ્યાનમાં રાખીને સરકાર આ યોજના બંધ કરવાનું વિચારી રહી છે તેમ અનેક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. સરકારે આ વર્ષે અત્યાર સુધી કોઈ નવા સોવરિન ગોલ્ડ બોન્ડની જાહેરાત કરી નથી, જેના કારણે આ યોજનાના ભવિષ્ય અંગે અટકળો શરૂ થઈ છે.
SGB ઈન્વેસ્ટમેન્ટ એસેટ ક્લાસ બન્યું
ભારત દર વર્ષે ૭૦૦થી ૧૦૦૦ ટન સોનાની આયાત કરે છે. ભારત સરકાર લોકો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાનું બંધ કરે તે માટે આ સ્કીમ લાવી પરંતુ ભારતીય સ્માર્ટ ઈન્વેસ્ટરોએ આ સ્કીમને એક નવા રોકાણ માધ્યમ તરીકે લઈને તેમાં સુરક્ષિત રોકાણ વધાર્યું હતુ. આ સ્કીમ છતા ભારતની સોનાની ફિઝીકલ આયાત ૨૦૧૫ની ૩૪.૩૨ અબજ ડોલરથી વધીને ૨૦૨૪માં ૪૫.૫૪ અબજ ડોલર થઈ છે.
સૌથી મહત્વની વાત કે આ એસજીબી તરીકે ઈન્વેસ્ટ કરેલું સોનું ચોરાઈ જવાનો કોઈ ભય રહેતો નથી કે અન્ય કોઈ લઈ જશે તેવો ડર પણ રહેતો નથી. આ સિવાય સરકારની સોવરિન ગેરન્ટી તો છે જ. પાંચ વર્ષના લોક ઈન પીરિયડ બાદ આ રોકાણ લાંબાગાળાના કેપિટલ ગેઈન ટેક્સમાં બાદ મળે છે. વધુમાં ઓછું કે આ સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ પણ કરી શકાય છે એટલે કે ક્યારેય પણ તમે પૈસાની તત્કાળ જરૂર હોય તો ઓનલાઈન વેચીને રોકડી કરી શકો છો.