– ટોલ પેટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.1.93 લાખ કરોડની આવક
– દેશમાં સૌથી વધુ કમાણી કરતા ટોચના 10 ટોલ પ્લાઝામાં ગુજરાતના બે
– છેલ્લા પાંચ વર્ષમાં 2043.81 કરોડનો ટોલ વસૂલ્યો ગયા વર્ષે રૂ.472.65 કરોડની સૌથી વધુ આવક
નવી દિલ્હી : ગુજરાતનું ભરથાણા દેશનું સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. તેની વાર્ષિક કમાણી રૂ. ૪૦૦ કરોડથી પણ વધારે છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં તેણે સરકારને રૂ. ૨,૦૪૩.૮૧ કરોડ રુપિયા કમાવી આપ્યા છે. ભરથણા ટોલ પ્લાઝા નેશનલ હાઇવ-ે ૪૮ પર વડાદરા અને ભરૂચ વચ્ચે આવેલું છે. તેણે ૨૦૨૩-૨૪માં સૌથી વધુ ૪૭૨.૬૫ કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો હતો.
આ ટોલ પ્લાઝા મુંબઈ-દિલ્હી માર્ગ પર આવેલું છે. આના કારણે અહીંથી પસાર થતાં વાહનોની સંખ્યા ઘણી વધારે છે. કાર, જીપ અને વાનથી યાત્રા કરનારાઓ પાસે રુ. ૧૫૫નો ટોલ વન-વે સાઇડ માટે લેવાય છે અને ટુ-વે એટલે કે આવવાજવાનો ટોલ રુ. ૨૩૦ લેવાય છે. જ્યારે તેનો માસિક પાસ પાંચ હજાર રૂપિયાનો છે.
તેના પછી બીજા નંબરનું ટોલ પ્લાઝા રાજસ્થાનના શાહજહાંપુરનું છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં સરકારને ૧,૮૮૪.૪૬ કરોડ રુપિયા કમાવી આપ્યા છે. પ્રવાસીઓના આગમનના કારણે ટોલ પ્લાઝાને નોંધપાત્ર કમાણી થાય છે. આ ટોલ પ્લાઝા પણ નેશનલ હાઇવે-૪૮ પર આવેલો છે. જ્યારે ત્રીજા નંબરનું સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝઆ પશ્ચિમ બંગાળનું જલધુલાગૌરી છે. તેની છેલ્લા પાંચ વર્ષની કમાણી રુ. ૧,૫૩૮.૯૧ કરોડ છે. તે નેશનલ હાઇવે ૧૬ પર આવેલું છે.
ચોથા નંબરનું ટોલ પ્લાઝા ઉત્તરપ્રદેશનું બરાજોડ છે. તે નેશનલ હાઇવ-૧૯ પર આવેલું છે. તેની છેલ્લા પાંચ વર્ષની કમાણી રુ. ૧,૪૮૦.૭૫ કરોડ છે. પાંચમાં નંબરનું ટોલ પ્લાઝા ઘરૌંદા હરિયાણામાં આવેલું છે. નેશનલ હાઇવે ૪૪ પર આવેલા આ ટોલ પ્લાઝાની છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કમાણી રુ. ૧,૩૧૪.૨૭ કરોડ છે. છઠ્ઠા નંબરનું ટોલ પ્લાઝા ગુજરાતનું ચોર્યાસી છે. નેશનલ હાઇવે ૪૮ પર આવેલા આ ટોલ પ્લાઝાએ કેન્દ્રને છેલ્લા પાંચ વર્ષમાં રુ. ૧,૨૭૨.૫૭ કરોડની કમાણી કરાવી છે.
સાતમા નંબરનું ટોલ પ્લાઝા રાજસ્થાનનું જયપુર પ્લાઝા છે. નેશનલ હાઇવે ૪૮ પર આવેલા આ ટોલ પ્લાઝાએ છેલ્લા પાંચ વર્ષમાં સરકારને રુ. ૧૧૬૧.૧૯ કરોડની કમાણી કરી આપી છે. આઠમા નંબરનું ટોલ પ્લાઝા તમિલનાડુનું કૃષ્ણાગિરી થોપુરનું છે. નેશનલ હાઇવે ૪૪ પર આવેલા આ ટોલ પ્લાઝાએ સરકારને ૧,૧૨૪.૧૮ કરોડની કમાણી કરી આપી છે. નવમા નંબરનું ટોલ પ્લાઝા ઉત્તરપ્રદેશનું નવાબગંજનું છે. નેશનલ હાઇવે ૨૫ પરના આ ટોલ પ્લાઝાએ સરકારને ૧,૦૯૬.૮૧ કરોડની કમાણી કરી આપી છે. દસમા નંબરનું ટોલ પ્લાઝા બિહારનું સાસારામ છે. નેશનલ હાઇવ-ટુ પરના ટોલ પ્લાઝાએ સરકારને રુ. ૧,૦૭૧.૩૬ કરોડની કમાણી કરી આપી છે. આમ સરકારને છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં ટોલ પ્લાઝા પેટે કુલ રુ. ૧.૯૩ લાખ કરોડની આવક થઈ છે.