Karnataka News : કર્ણાટકના હુબલીમાં 5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. અહેવાલ અનુસાર, આરોપીએ બાળકી પર બળાત્કાર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના અશોક નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને છોકરીનો મૃતદેહ એક ખાલી મકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને તેઓ અશોક નગર પોલીસ સ્ટેશનની સામે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાળકીને ન્યાય અપાવવા માટે દેખાવો કર્યા હતા.
પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
મીડિયા અહેવાલ મુજબ, આરોપીની ઓળખ બિહારના રહેવાસી રિતેશ કુમાર તરીકે થઈ છે, જે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ દરમિયાન તેણે પોલીસ સાથે ઘર્ષણ કર્યો હતો, જે પછી એન્કાઉન્ટરમાં તેનું મોત થયું. મળતી માહિતી મુજબ, આરોપી રિતેશ બાળકીને એક શેડમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બાળકીની ચીસો સાંભળીને, સ્થાનિક લોકો શેડ તરફ દોડી ગયા હતા. જોકે, આરોપીએ બાળકીને શાંત કરાવવા તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
પોલીસે શું કહ્યું?
આ ઘટના અંગે હુબલી-ધારવાડ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પીડિતાના માતા-પિતાની ફરિયાદ પર પોલીસે આરોપીની અટકાયત કરી હતી. જો કે, આરોપીએ પોલીસ સાથે ઘર્ષણ કરતા એન્કાઉન્ટરમાં તેનું મોત થયું છે. આરોપીએ બાળકીનો અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે, બાલખીએ ચીસો પાડતા આસપાસના લોકો તેને શોધવા લાગ્યા હતા. શોધખોળ કર્યા પછી, બાલકી ઘરની સામે આવેલા એક કામચલાઉ મકાનના બાથરૂમમાંથી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.’