વડોદરાઃ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ૪૭૨ જેટલી જગ્યાઓ માટે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજે પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરામાં આજે ૭૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
વડોદરામાં પરીક્ષા માટે ૨૧૦૦૦ ઉમેદવારો નોંધાયા હતા.મોટાભાગના ઉમેદવારો સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, વાપી, વલસાડ, સુરત, અમરેલી વગેરે જિલ્લાઓમાંથી એસટી બસ તેમજ ટ્રેનો મારફતે વડોદરા પહોંચ્યા હતા.જેમના માટે વડોદરા રેલવે સ્ટેશન તેમજ એસટી ડેપો ખાતે પોલીસ દ્વારા હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા.
પહેલું પેપર સવારે ૯-૩૦ વાગ્યાનું હતું અને તેમાં ૭-૩૦ વાગ્યાથી પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક સિસ્ટમથી એન્ટ્રી આપવાનું શરુ કરી દેવાયું હતું.ઘણા ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય તે માટે રાત્રે જ વડોદરા આવી ગયા હતા અને જેના પગલે ઘણી હોટલો અને ગેસ્ટ હાઉસો હાઉસફુલ જોવા મળ્યા હતા.
પરીક્ષા કેન્દ્રો પર ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓ પાસેથી પણ તકેદારીના ભાગરુપે મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા.ઉમેદવારોનું બીજુ પેપર બપોરે ૩-૩૦ વાગ્યે હતું.ઉમેદવારોને ગરમી સામે પણ પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.ગરમીને ધ્યાનમાં રાખીને કેટલાક પરીક્ષા કેન્દ્રો પર છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.મોટાભાગના કેન્દ્રો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પેપર સરળ હોવાથી કટ ઓફ ઊંચુ જશે
ભયની ફિલસૂફી, કાયદો અને વ્યવસ્થા વિશે નિબંધ પૂછાયા
પેપર-વનમાં સૌથી વધારે ૨૫ પ્રશ્નો બંધારણના અને વર્તમાન મુદ્દાઓ અંગે ૧૫ પ્રશ્નો પૂછાયા
પરીક્ષા આપીને બહાર નીકળેલા ઉમેદવારોએ પેપર સરળ હોવાનો અને તેના કારણે કટ ઓફ ઉંચુ જશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત પટેલે કહ્યું હતું કે, નવી પરીક્ષા પધ્ધતિ પ્રમાણે ૧૦૦ માર્કસના પેપર વનના એ પાર્ટમાં ગણિત અને રિઝનિંગ પૂછવામાં આવ્યું હતું અને તે સાવ સરળ હતું.પેપર બીના પાર્ટ બીમા સાત માર્કના ઈતિહાસના, આઠ માર્કના ભૂગોળના અને ૧૬ માર્કના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો પૂછવામાંઆવ્યા હતા.૨૫ માર્કસના પ્રશ્નો બંધારણને લગતા હતા.જાહેર પ્રશાસનનો એક પણ પ્રશ્ન પૂછાયો નહોતો.વર્તમાન મુદ્દાઓને લગતા ૧૫ માર્કના, પર્યાવરણ અને ઈકોનોમિક્સના ૯ માર્કના અને વિજ્ઞાાન તથા ટેકનોલોજીના ૧૧માર્કના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.કેશવાનંદ ભારતી કેસ, ક્રિપ્ટો કરન્સી તથા સેબી અને જી-૨૦ સમિટને લગતા પ્રશ્નનો પણ સમાવેશ થતો હતો.
જ્યારે પેપર બેમાં ભયની ફિલસૂફી, કાયદો તેમજ વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થાપન વિષય પર નિબંધ અને હેલમેટ પહેરવાને લગતો અહેવાલ પૂછવામાં આવ્યો હતો.પેપર એકંદરે સાવ સરળ હતું.
કાળઝાળ ગરમી વચ્ચે પણ ૮૩ ટકા હાજરી નોંધાઈ
વડોદરામાં ૭૦ કેન્દ્રો પર ૨૧૦૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા અને આ પૈકી પેપર એકમાં ૧૭૫૮૨ અને પેપર બેમાં ૧૭૪૫૭ ઉમેદવારોની હાજરી નોંધાઈ હતી.આકરી ગરમી હોવા છતા ૮૩ ટકા જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને આ પૈકીના મોટાભાગના ઉમેદવારો બહારગામના હતા.