વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતના મુખ્ય ગુંબજ અને તેની આસપાસના ગુંબજ મળીને કુલ ૯ ગુંબજ છે અને આ પૈકીના ૬ ગુંબજનું રિસ્ટોરેશન પુરુ થઈ ગયું છે.મુખ્ય ગુંબજ અને બીજા બે નાના ગુંબજનું રિસ્ટોરેશન આગામી સાત થી આઠ મહિનામાં પુરુ થાય તેવો અંદાજ છે.
યુનિવર્સિટી દ્વારા ૨૦૨૩માં ગુંબજ અને ઈમારતની બહારની દિવાલો તથા બીજા કામ માટે ૫.૫૦ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.અન્ય જગ્યાએ પણ ઐતહાસિક ઈમારતોનું રિસ્ટોરેશન કરી ચુકેલી એજન્સી દ્વારા ગુંબજના રિસ્ટોરેશન માટે ચૂનાની સાથે ગોળ, અડદ, મેથી, ગૂગળનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ગુંબજના મૂળ બાંધકામમાં ઈંટો, ચૂનો, લાકડુ જેવા મટિરિયલનો ઉપયોગ થયો હતો અને તેના કારણે રિસ્ટોરેશનમાં પણ આ જ મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે.
ગુંબજની અંદર અને બહારની તરફ ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવે છે અને તે પહેલા તેમાં અડદ, ગોળ, મેથી અને ગૂગળને ઉકાળીને તેને ચૂનાની સાથે ભેળવવામાં આવે છે.
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આમ તો ૨૦૧૭થી ફેકલ્ટીની ઐતહાસિક ઈમારત અને ગુંબજના રિસ્ટોરેશનનો પ્રોજેકટ હાથ ધરાયો હતો પરંતુ તેમાં ઘણા વિઘ્નો આવ્યા હતા.જોકે હવે આ પ્રોજેકટ પૂરો થવાના આરે છે.જોકે, ગુંબજના રિસ્ટોરેશન બાદ પણ તેની સામે પ્રદૂષણનું જોખમ તો રહેશે જ.ભૂતકાળમાં ૨૦૦૫માં પણ ગુંબજનું રિસ્ટોરેશન કરાયું હતું અને તેના થોડા વર્ષોમાં પ્રદૂષણના કારણે ગુંબજ ફરી કાળો પડી ગયો હતો.
સાત વર્ષથી ચાલતો પ્રોજેકટ અને સાત કરોડનો ખર્ચ
આર્ટસની ઐતિહાસિક ઈમારત અને તેના ગુંબજના રિસ્ટોરેશન પ્રોજેકટની ટાઈમલાઈન
-૨૦૧૭માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને ૨.૨૩ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો.
–૬ મહિનામાં જ કોન્ટ્રાકટરે ગુંબજમાં કાણા પાડતા ભારે હોબાળો થયો.સત્તાધીશોએ કોન્ટ્રાકટ પાછો લીધો
–૨૦૨૦માં અન્ય એજન્સીને કામ સોંપવામાં આવ્યું.એક કરોડનું પેમેન્ટ કરાયું
–કોરોનાના કારણે ૨૦૨૨માં એજન્સીએ ભાવ વધારાના મુદ્દે થયેલા મતભેદો બાદ કામ બંધ કર્યું
–૨૦૨૨માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ૨.૨૩ કરોડમાંથી ૧.૯૮ કરોડની રકમ યુનિવર્સિટીને પાછી આપી
–૨૦૨૩માં સત્તાધીશોએ ફરી ટેન્ડર મંગાવ્યા
–૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં ૫.૫૦ કરોડના ખર્ચે નવી એજન્સીએ અધુરુ રહેલું કામ ચાલુ કર્યું
–સાત વર્ષથી ચાલી રહેલા અને ૨૦૨૫માં પૂરા થનારા પ્રોજેકટ પાછળ કુલ સાત કરોડના ખર્ચનો અંદાજ
૧૮૮૦માં ડિઝાઈન બની હતી, ભારતનો બીજા નંબરનો ગુંબજ
૧૮૮૦માં આર્કિટેકટ રોબર્ટ ચિઝોમ દ્વારા આર્ટસ ફેકલ્ટીની ઐતહાસિક ઈમારતની ડિઝાઈન બનાવવામાં આવી હતી.ભારતના બીજાપુર બાદ ભારતનો સૌથી મોટો બીજો ગુંબજ આર્ટસ ફેકલ્ટીનો છે.જેનો વ્યાસ લગભગ ૭૦ ફૂટ થવા જાય છે.ફેકલ્ટીની ઈમારત ઈન્ડો-સારસેનિક શૈલીમાં બનાવાઈ છે.ડોમ અને ઈમારતના બાંધકામમાં ચૂનો, ઈંટો, લાકડું અને બેલ્જિયમ ગ્લાસનો મુખ્યત્વે ઉપયોગ થયો છે.અત્યારે ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરીમાં પણ આ જ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગુંબજના રિસ્ટોરેશનની સાથે બહારની દિવાલોનું સમારકામ, પથ્થરની જાળીઓ, લાકડાના દાદરા, કાચ અને સિરામિક ટાઈલ્સ નાંખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વાહનો અને ઉદ્યોગોના ધૂમાડાના કારણે
કાર્બન મોનોકસાઈડ અને સલ્ફર ડાયોકસાઈડથી ગુંબજને અસર થઈ શકે
યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગના પૂર્વ હેડ પ્રો.કૌરેશ વચ્છરાજાનીએ કહ્યું હતું કે, ગુંબજના રિસ્ટોરેશનમાં કઈ ટેકનિક અને મટિરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે તેની જાણકારી તો નથી પરંતુ સામાન્ય રીતે વાહનોના ધૂમાડામાંથી નીકળતા કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને ઉદ્યોગોના પ્રદુષણના કારણે વાતાવરણમાં ભળતા બીજા કેમિકલ, ધૂળના રજકણો ગુંબજના કલર પર અસર કરે તેવી શક્યતા રહેતી હોય છે.તેનાથી ગુંબજ પરનો રંગ ઝાંખો થવાની શક્યતા છે.ભૂતકાળમાં ગુંબજ પર ફંગસ થઈ હોવાનું પણ જોવા મળ્યું હતું.
બીજી તરફ બોટની વિભાગના અધ્યાપક ડો.ધર્મેન્દ્ર શાહનું કહેવું છે કે, ગુંબજ પર લાગતી ફૂગ અને પ્રદુષણને રોકવા હવે સ્પેશ્યલ કેમિકલ ઉપલબ્ધ છે.જેનો અખતરો ગુંબજના એક નાનકડા હિસ્સા પર બે વર્ષ પહેલા અમે કર્યો હતો.જેના સારા પરિણામ જોવા મળ્યા હતા.આ કેમિકલના કોટિંગથી ગુંબજ પરથી પ્રદુષણનો ખતરો દસેક વર્ષ સુધી તો ટાળી શકાશે તેવો મારો અંદાજ છે.
–પોલ્યુશનની અસર ઓછી કરવા નિયમિત સફાઈ જરુરી
યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, પોલ્યુશનને રોકી શકાય તેવું શક્ય નથી પરંતુ ગુંબજની સુંદરતા પર પોલ્યુશનની અસરને રોકવા અથવા તો ઓછી કરવા માટે તેની દર વર્ષે કે બે વર્ષે સફાઈ જરુરી છે.આ માટે યુનિવર્સિટીએ સરકારને પત્ર લખીને ગ્રાન્ટની માગણી કરવી જોઈએ.મેન્ટેનન્સ પાછળ દર બે વર્ષે ૩૦ થી ૩૫ લાખ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.