– 6 માસ પહેલા ખુલ્લો મુકાયેલા અને 17 કરોડના ખર્ચે બનેલા
– પ્રથમ વરસાદમાં જ રોડની બંને સાઇડ સેફ્ટી રેલિંગ નીચેની જમીન બેસી જતાં રેલિંગ હવામાં અધ્ધરતાલ : પુલ પર પરિવહન અટકાવી રિપેરિંગ કામ હાથ ધરવા માંગ
માર્ગ અને મકાન વિભાગને જાણ કરવા છતાં તંત્રના અધિકારી કે કોન્ટ્રાક્ટર ડોકાયા પણ નહીં
લીંબડી : લીંબડી-લખતર હાઈવે પર શિયાણી ગામ નજીકના ભોગાવો નદી પર હજુ છ માસ પહેલા જ અંદાજે ૧૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલને હજુ હમણાં જ પરિવહન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુલ પર પહેલા ભારે વરસાદ બાદ પુલ પર પેચિંગ વર્ક, પેવરકામ પર મોટી તિરાડો સાથે ગાબડા પડતાં આ પુલ પર થી પસાર થતાં વાહન ચાલકોને જાણે દિવસે દિવસે પરિવહન માટે જોખમી બનતાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
શીયાણી ગામના સરપંચ દર્શનભાઈ એ જણાવ્યું હતું કે લીંબડી શિયાણી વચ્ચે ભોગાવો નદી પર અગાઉ ક્રોઝવે હતો. જેમાં દર વર્ષે ચોમાસામાં ઉપર વાસમાં ભારે વરસાદ પડવાના કારણે અવાર-નવાર ક્રોઝવે પર પુર આવતાં નળકાંઠાના ૧૭ ગામડાઓમાંથી તાલુકા મથકથી વિખુટા પડી જતાં અને ચાર પાંચ દિવસ સુંધી સંપર્ક વિહોણા બનતા હતાં. જેને લઈને રાજ્ય સરકારે નળકાંઠાના ગામડાઓને લઈ આ પુલ માટે અંદાજે ૧૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ આ પુલ બનાવવા માં નબળી કામગીરી અને પુલના બાંધકામમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયાનું સ્પષ્ટ નજરે પડી રહ્યુ છે.
પુલની સાઇડોની દિવાલોમા તિરોડો મોટી થતી જાય છે. પુલ પર નબળી પેચ વર્ક કામગીરીથી પેવરકામમાં મોટી તિરાડો અને મસમોટા ગાબડાઓ પડી રહ્યાં છે. જેના કારણે રસ્તાની બંને સાઇડ મોટી સેફ્ટી રેલિંગના પોલ નીચે જમીન બેસી જતાં હાલ હવામાં અધ્ધરતાલ લટકી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનુ સ્પષ્ટ નજરે પડે છે. પુલ અને રસ્તાના કામમાં સરકારના ધારા ધોરણ મુજબ રસ્તાના નિર્માણ બાદ અમુક વર્ષો સુધી જો એ કામમાં નુકસાન થાય તો તેનું રિપેરિંગ કે પુનઃ નવિનીકરણ કોન્ટ્ક્ટરના ગેરેંટી પિડિયરની જવાબદારીમાં આવતું હોય છે. પરંતુ અહીં તો પુલનું જેવુ તેવુ કામ પત્યું કે કામ કરનાર એજન્સી કે જવાબદાર કર્મચારીઓ હજુ સુધી ડોકાયા નથી. તેમજ તંત્રન પુલ પર થઈ રહેલી જોખમી સ્થિતિ અંગેની માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. પરતું હજુ સુધી કોઈ પણ અધિકારીએ આ પુલની સ્થિતિ જાણવા કે જોવાની રૂબરૂ મુલાકાતની તસ્દી સુદ્ધા લીધી નથી.
વહેલી તકે આ પુલ પરનું પરીવહન અટકાવી રિપેરિંગ કામ હાથ ધરવામાં નહિ આવે તો આ પુલ પર પાદરાના મહી નદી પરના ગંભીરા બ્રિજ જેવી જ દુર્ઘટના સર્જાવાની ગામ લોકો પુરેપુરી સંભાવના સેવી રહ્યા છે.