– લાયકાત અને ઉમરના નિયત ધોરણોનું પાલન નહીં થયાનું જણાવી
– બેંકમાં 80 તાલીમાર્થી ક્લાર્કની ભરતી પ્રકરણે હાઈકોર્ટમાં 22 એપ્રિલની મુદ્દત મુકરર
ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ૮૦ તાલીમાર્થી ક્લાર્કની ભરતી પ્રકરણમાં લાયકાત અને ઉમરના નિયત ધોરણોનું પાલન નહીં થયાનું જણાવી ગુજરાત વડી અદાલતમાં ધા નાખવામાં આવતા હવે ૨૨ એપ્રિલની મુદ્દત મુકરર કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્ય, સ્ટેટ રજિસ્ટ્રાર, ભાવનગર ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક, ધ એડમિન મેનેજર (એસ્ટાબ્લિશમેન્ટ)અને ઓમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન્સ સહિત ૬ને પ્રતિવાદી તરીકે જોડીને ધા નાખી હતી કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ૮૦ તાલીમાર્થી ભરતી પ્રકરણમાં લાયકાત અને ઉમરના નિયમને અનુસરવામાં આવ્યા નથી. સગાવાદ આચરવામાં આવેલ છે. બેંક દ્વારા તા. ૯ માર્ચના રોજ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવાયા, તા. ૧૦ માર્ચના રોજ સરક્યુલર ઠરાવમાં ડાયરેક્ટર્સની સહીઓ લેવામાં આવી અને તા. ૧૧ માર્ચના રોજ ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. વાસ્તવમાં, બેંકે ૭ દિવસ અગાઉ એજન્ડા ઈસ્યુ કરી બોર્ડની બેઠક બોલાવી ચર્ચા કરવી જોઈએ પણ તેમ થયું નથી. આ ભરતી પ્રકરણે રાજ્ય સરકારે પણ ઈન્કવાયરી નીમી છે. સિદસર જૂથ સેવા સહકારી મંડળીનું ડિસ્ટ્રીક્ટ બેંકમાં હિત છે તે આ ખોટી ભરતીથી જોખમાય છે. આથી આ ભરતી રદ્દ કરવા દાદ માંગવામાં આવી છે.
દરમિયાનમાં, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, એચ.આર. પોલિસી ઘડવાનો બેંકને અધિકાર છે અને એ પ્રમાણે ૮૦ તાલીમાર્થી ક્લાર્કની ભરતી કરી છે. હાઈકોર્ટમાં આ સંદર્ભે સુનાવણી ચાલી રહી છે અને તા. ૧૭ માર્ચ, ૨૩ માર્ચ, તા. ૨૭ માર્ચ અને તા. ૧ એપ્રિલના રોજ મુદ્દત પડી હતી. હવે આગામી તા.૨૨ એપ્રિલના રોજ મુદ્દત મુકરર કરવામાં આવી છે.