– વાડી પ્લોટ વિસ્તારમાં બનેલા બનાવથી અરેરાટી
પોરબંદર : પોરબંદરમાં મકાનનો માલ સામાન ઉતારી રહેલા બે શ્રમિક યુવાનોના વિચિત્ર અકસ્માતમાં મોત નિપજ્યા હતા. મકાનના ઉપરના માળેથી કબાટ ઉતારતા હતા ત્યારે કાચની બાલ્કની તૂટતા પગમાં દોરડા ફસાઈ જતા બન્ને યુવાનો ઉપરથી નીચે પટકાયા હતા. એકનું પોરબંદર અને બીજાનું રાજકોટ ખાતે સારવારમાં મોત થતાં અરેરાટી વ્યાપી છે.
ત્રીજા માળેથી કબાટ ઉતારતી વખતે રવેશનો કાચ તૂટી જતા કબાટ નીચે પડતાં તેને બાંધેલા દોરડાં પગમાં વીંટળાઇ જતાં બન્ને યુવાનો પણ નીચે પટકાતા મોત
બનાવની વિગત એવી છે કે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા લખમણ મુંજા કોડીયાતર (ઉં.વ. ૩૦) અને ગલા નાથા કોડીયાતર (ઉં.વ. ૩૫) વગેરે મકાનનો માલ સામાન ફેરવવાની મજૂરીનું કામ કરતા હતા. આજે રવિવારે વાડી પ્લોટ વિસ્તારમાં ગુરુકૃપા નામના એક મકાનમાં ત્રીજા માળેથી સામાન ઉતારવાની મજૂરી કરી રહ્યા હતા. આ બંને યુવાનોની સાથે અન્ય યુવાન પણ હાજર હતો. અને ત્રીજા માળેથી કબાટ ઉતારતા હતા અને દોરડાં બાંધીને તેને નીચે લેતા હતા. એ દરમિયાન રવેશનો કાચ તૂટતા કબાટ નીચે પડયો હતો અને એ દરમિયાન દોરડાં આ બંને યુવાનોના પગમાં વીંટાળાઈ જતા તેઓ પણ ઉપરથી નીચે પટકાયા હતા. અને બંનેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફતે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન લખમણ કોડીયાતરનું પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે અન્ય યુવાન ગલા નાથા કોડીયાતરને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મોત નિપજ્યું છે. આ બનાવે રબારી સમાજમાં ભારે શોક ફેલાયો છે.