Ahmedabad Uttrayan: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગપ્રેમીઓ માટે આનંદના સમાચાર એ છે કે, પવનની ગતિ પતંગબાજી માટે સાનુકૂળ રહેશે; આજે પવનની ઝડપ 9થી 11 કિલોમીટર પ્રતિ કલાક અને વાસી ઉત્તરાયણના દિવસે 11થી 13 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે અને મેદાનથી લઈને ધાબા સુધી પતંગબાજો વચ્ચે ‘આકાશી યુદ્ધ’ જામશે. ‘કાયપો છે’ અને ‘ચલ ચલ લપેટ’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે.
ઊંધિયું-જલેબીની મિજબાની પર્વના આનંદમાં વધારો કરશે
આ ઉપરાંત, ઉત્તરાયણના પર્વમાં ઊંધિયું-જલેબીની જ્યાફત ‘સોનામાં સુગંધ’ ભેળવવાનું કામ કરશે. ખાસ કરીને અમદાવાદમાં ઉત્તરાયણ જેટલું જ મહત્ત્વ વાસી ઉત્તરાયણનું પણ હોય છે, જેની પતંગપ્રેમીઓ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરશે. આમ, રોજબરોજના ભાગદોડ અને તણાવભર્યા જીવન વચ્ચે આગામી બે દિવસ લોકો માટે રણમાં મીઠી વીરડી સમાન બની રહેશે.
બજારોમાં મોડી રાત સુધી ધમધમાટ
અમદાવાદના દિલ્હી ચકલા, કાલુપુર ટંકશાળ, રાયપુર, પાલડી, મણિનગર, સેટેલાઈટ અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં સોમવારે મોડી રાત સુધી પતંગ-ફિરકીની છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો રોમાંચ અનેરો હોય છે, જ્યાં આ પર્વ મનાવવા માટે દેશ-વિદેશથી લોકો ખાસ આવતા હોય છે. આ વધતા ક્રેઝને કારણે હવે પોળમાં એક દિવસ માટે ધાબુ ભાડે આપવાના ચલણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
પોળમાં પતંગબાજીનો ક્રેઝ
અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો એટલો ક્રેઝ છે કે, એક દિવસ માટે ધાબાનું ભાડું 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, શહેરની કેટલીક હોટલો દ્વારા લંચ અને ડિનર સાથે ધાબા પર પતંગ ચગાવવાના ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરની નામી ક્લબોમાં ડીજેના તાલ સાથે પતંગબાજીના આયોજનો કરવામાં આવ્યા છે, તો સાંજે આકાશમાં તુકલ અને આતશબાજીનું આકર્ષણ જામશે. આમ, આજે સવારે ઉત્તરાયણ, સાંજે આતશબાજીને કારણે દિવાળી અને રાત્રે ધાબા-સોસાયટીઓમાં ગરબાની રમઝટને પગલે નવરાત્રિ જેવો માહોલ જોવા મળશે.
મકરસંક્રાંતિ સાથે કમૂર્તાની પણ સમાપ્તિ
મકરસંક્રાંતિના પર્વ સાથે જ ધનુર્માસની પૂર્ણાહુતિ થશે, જેની સાથે જ માંગલિક લગ્નસરાનો પુનઃ પ્રારંભ થશે. શાસ્ત્રોમાં મકરસંક્રાંતિએ દાન-દક્ષિણાનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે; ખાસ કરીને આ દિવસે શેરડી અને પીળા રંગના વસ્ત્રોનું દાન અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે. આ અવસરે અમદાવાદના વિવિધ મંદિરોમાં પણ વિશેષ પૂજા અને આયોજનો કરવામાં આવ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તરાયણના સૂર્યને એટલો પવિત્ર માનવામાં આવે છે કે, સ્વયં ભીષ્મ પિતામહે પણ બાણશય્યા પર હોવા છતાં દેહત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની પ્રતીક્ષા કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત ફરી ધ્રુજ્યું: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા
ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઈન જાહેર
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પતંગના દોરાથી ઘાયલ થતા પશુ-પક્ષીઓની સારવાર માટે ‘કરુણા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા તાત્કાલિક સહાય માટે વોટ્સએપ નંબર 8320002000 અને હેલ્પલાઇન નંબર 1926 જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કરુણા અભિયાન હેઠળ રાજ્યભરમાંથી 12,771થી વધુ અબોલ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.











