![]()
Farmers Issue: ‘જગતના તાત’ ગણાતા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરતી સરકાર સામે મગફળીના પેમેન્ટ મુદ્દે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચ્યાના સાત જ દિવસમાં નાણાં ચૂકવવાનો કૃષિમંત્રીનો વાયદો બે મહિના વીતવા છતાં પૂરો થયો નથી. હાલમાં રાજ્યના અંદાજે 1 લાખ ખેડૂતો પોતાના હકના પૈસા મેળવવા માટે બેન્કો અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે.
મંત્રીનો વાયદો વિસરાયો
ચાલુ વર્ષે રાજ્ય સરકારે પ્રત્યેક ખેડૂત દીઠ 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી હતી. ખરીદી સમયે કૃષિમંત્રીએ ગૌરવપૂર્વક જાહેરાત કરી હતી કે, ખેડૂતોના ખાતામાં સાત જ દિવસમાં રકમ જમા થઈ જશે. જો કે, વાસ્તવિકતા એ છે કે બે મહિના પછી પણ હજારો ખેડૂતોના હાથ ખાલી છે.
પેમેન્ટ અટકવા પાછળનું ટેકનિકલ બહાનું
કિસાન કોંગ્રેસ સેલની તપાસમાં સામે આવ્યું છે કે પેમેન્ટ અટકવા પાછળ તંત્રની વહીવટી શિથિલતા જવાબદાર છે. ખેડૂત મગફળી આપે એટલે તે જથ્થો ગોડાઉન પહોંચે ત્યારે મળતી ‘વ્હેર હાઉસ રિસિપ્ટ’ સરકાર કે નાફેડના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે. આ રિસિપ્ટ અપલોડ કરવાની જવાબદારી ટેકાના કેન્દ્ર સંચાલકોની છે, પરંતુ ટેકનિકલ ખામી કે આળસના બહાને રિસિપ્ટ અપલોડ ન થતા હજારો ખેડૂતોનું પેમેન્ટ અટવાયું છે.
ખેડૂતોનો વેધક સવાલ
પૈસા ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકારને ઉત્સવો અને તાયફા કરવા હોય ત્યારે કરોડો રૂપિયા વપરાય છે, પરંતુ જ્યારે ખેડૂતોને મહેનતના પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે તિજોરી ખાલી થઈ જાય છે કે સિસ્ટમ ખોટકાઈ જાય છે. કિસાન કોંગ્રેસ સેલે આ મુદ્દે કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો એકાદ સપ્તાહમાં ખેડૂતોના બાકી નાણાં ખાતામાં જમા નહીં થાય, તો તમામ જિલ્લા મથકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ખેડૂતો દ્વારા ધરણાં અને દેખાવો યોજી સરકારની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કરવામાં આવશે. ખેતીની આગામી સિઝન માટે બિયારણ અને ખાતર ખરીદવા માટે ખેડૂતોને રોકડની જરૂર હોય છે, તેવા સમયે જ સરકાર દ્વારા પેમેન્ટમાં કરવામાં આવતો વિલંબ ખેડૂતોની કમર તોડી રહ્યો છે.










