![]()
Uttarayan Emergency Calls: ગુજરાતમાં મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ અકસ્માતો અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ‘108’ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 14મી જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 3,810 ઈમરજન્સી કોલ મળ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે.
ગયા વર્ષની સરખામણીએ સ્થિતિ
વર્ષ 2025ની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી સેવા પર દબાણ વધ્યું છે. વર્ષ 2025માં સાંજે 6 વાગ્યા સુધીમાં 3,318 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2026માં આ જ સમયગાળામાં 3,810 કોલ નોંધાયા હતા. ગયા વર્ષ કરતા આ વખતે 491 વધુ ઈમરજન્સી કેસો સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા
તહેવાર દરમિયાન નોંધાયેલા કેસોમાં મોટાભાગે કાચ પાયેલી પતંગની દોરીથી વાહનચાલકો કે રાહદારીઓના ગળા અથવા શરીરના અન્ય ભાગો કપાવવાના કિસ્સા. પતંગ ચગાવતી વખતે કે પેચ લડાવતી વખતે અગાસી કે ધાબા પરથી સંતુલન ગુમાવતા નીચે પડવાની ઘટનાઓ. પતંગ પકડવા જતાં કે વાહન ચલાવતી વખતે અચાનક દોરી આડી આવતા સર્જાયેલા અકસ્માતો. મારામારી, દાઝી જવાના કિસ્સાઓ અને પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગવાની દુર્ઘટનાઓનો સમાવેશ થાય છે.
મુખ્ય શહેરોમાં સૌથી વધુ અસર
રાજ્યના મહાનગરોમાં પતંગબાજીનો ક્રેઝ વધુ હોવાથી ઈમરજન્સી કોલ્સની સંખ્યા પણ ત્યાં વધુ જોવા મળી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 108 ની ટીમો સતત કાર્યરત રહી હતી.
તંત્રની અપીલ: વાસી ઉત્તરાયણે સાવધ રહેજો
આજે (15મી જાન્યુઆરી) વાસી ઉત્તરાયણ હોવાથી વહીવટી તંત્ર અને 108 સેવા દ્વારા નાગરિકોને ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે. રસ્તા પર પતંગ પકડવા માટે જીવના જોખમે દોડવું નહીં. બાઈક ચલાવતી વખતે ગળામાં સ્કાફ બાંધવો અથવા હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવો. નાના બાળકોને અગાસી પર પતંગ ચગાવતી વખતે એકલા ન મૂકવા.










