AAP Saurabh Bharadwaj Targets BJP: દિલ્હીમાં રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ બાબા સાહેબ આંબેડકરની તસવીરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો આરોપ હતો કે, ભાજપની સરકાર આવતા જ મુખ્યમંત્રીની પાછળ ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર હટાવી દેવામાં આવી હતી. આ મામલો દિલ્હી વિધાનસભા સુધી પહોંચ્યો હતો. એ પછી ભાજપે પોતે એક વીડિયો બનાવીને કહ્યું કે, કોઈ તસવીર દૂર કરવામાં આવી નથી, માત્ર તસવીરનું સ્થાન બદલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ
આ ખૂબ જ દુઃખદ અને શરમજનક વાત છે
આજે, આંબેડકર જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે ફરીથી તસવીરને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના લોકોએ બાબા સાહેબ આંબેડકરને ન દિલમાં જગા આપી, કે ન દીવાલ પર જગા આપી. આ ખૂબ જ દુઃખદ અને શરમજનક વાત છે.
ભાજપની સરકાર બનતા જ તસવીરોને હટાવી દેવામાં આવી
ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું છે કે તમે કાર્યાલય, મુખ્યમંત્રી નિવાસસ્થાન, મંત્રીઓના નિવાસસ્થાન અને દરેક સરકારી કાર્યાલયમાં ભીમરાવ આંબેડકરની તસવીર હશે. કેજરીવાલની દરેક પ્રેસ કોન્ફરન્સમાં તમે જોયું હશે કે, તેમની પાછળ બાબા સાહેબનો ફોટો હતો. તેથી એ સંદેશ દરેક જગ્યાએ ગયો કે, આ સરકાર બાબા સાહેબના પગલે ચાલશે. દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે જ તે તસવીરોને હટાવી દેવામાં આવી.
આ પણ વાંચો: લૂંટારાઓની ટોળકી છે લતા માંગેશકરનો પરિવાર…: દિગ્ગજ કોંગ્રેસ નેતાના આક્ષેપથી રાજકારણ ગરમાયું
બાબા સાહેબની તસવીર ગાયબ થઈ ગઈ છે
સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, ભાજપ અન્ય રાજ્યોમાં આંબેડકર સાહેબની તસવીર નહીં હટાવે, પરંતુ તેમણે દિલ્હીમાં દરેક જગ્યાએથી તેમની તસવીર હટાવી દીધી. હવે તમે જોઈ શકો છો કે, જ્યારે રેખા ગુપ્તા સીએમ હાઉસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરે છે, ત્યારે તેમની પાછળ બાબા સાહેબની કોઈ તસવીર નથી હોતી. ખુરશી એ જ છે, દિવાલ અને તેના રંગો એ જ છે, બાબા સાહેબની તસવીર ગાયબ થઈ ગઈ છે. ભાજપના લોકોએ બાબા સાહેબને ન દિલમાં જગા આપી, ન દીવાલ પર જગા આપી.