મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર ભાવમાં વધુ ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરીબજારોમાં આજે આગેકૂચ ચાલુ રહી હતી. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૦૦ વધી ૯૯૫ના રૂ.૯૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૫૦૦ વધી રૂ.૯૪૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૩૦થી ૩૨૩૧વાળા વધી ઉંચામાં ભાવ ૩૨૪૫થી ૩૨૪૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૨૩૭થી ૩૨૩૮ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ- યુધ્ધ વકરતાં તેમજ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ડોલર વેંચીને સોનું ખરીદી રહ્યાના વાવડ વચ્ચે વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ ચાલુ રહ્યું હતું. વિશ્વબજારના સમાચાર મુજબ લંડન બજાર કરતાં ચીનના શાંગાઈ બજારમાં સોનાના ભાવમાં પ્રિમીયમો બોલાતા થયા હતા. ઘરઆંગણે હવે સોનામાં રૂ.એક લાખના ભાવ પર બજારની નજર રહી હતી.
દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૧.૪૬થી ૩૧.૪૭ વાળા ઉંચામાં ભાવ ૩૨ પાર કરી ૩૨.૩૨ થઈ છેલ્લે ભાવ ૩૨.૩૦ ડોલર રહ્યા હતા.