Fugitive Mehul Choksi Extradition: ભારત સરકારે ભાગેડૂ મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ કરી હોવાની ખાતરી બેલ્જિયમ ફેડરલ પબ્લિક સર્વિસે કરી છે. બેલ્જિયમ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, 12 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવેલા ભારતના ભાગેડૂ મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માગ ભારતે કરી છે. જેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
65 વર્ષીય ભાગેડૂ ડાયમંડ મર્ચન્ટ મેહુલ ચોક્સી વિરૂદ્ધ આગામી કાર્યવાહી અને તપાસ અંગે બેલ્જિયમ ઓથોરિટીએ વધુ કોઈ માહિતી આપી નથી. 2 જાન્યુઆરી, 2018ના રોજ મેહુલ ચોક્સી વિરૂદ્ધ રૂ. 13850 કરોડનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કૌભાંડમાં તેના ભત્રીજા નીરવ મોદી, પત્ની પણ સામેલ હતાં. ચોકસી કૌભાંડ કરી દેશ છોડી ફરાર થયો હતો. નીરવ મોદી અને પત્ની પણ પલાયન કરી ગયા હતાં. જેમાં હાલ નીરવ મોદી લંડનની જેલમાં બંધ છે.
બેલ્જિયમ ઓથોરિટીએ જ્યારે ચોક્સીની ધરપકડ કરી ત્યારે તે સ્વિટ્ઝર્લેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કૌભાંડી મેહુલ ચોક્સી બ્લડ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હોવાથી તે સારવાર અર્થે સ્વિટ્ઝર્લેન્ડ જઈ રહ્યો હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ હતું.
આ પણ વાંચોઃ સ્વિટ્ઝર્લૅન્ડ ભાગવાની ફિરાકમાં હતો મેહુલ ચોક્સી, ભારત લાવવામાં આ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની પ્રત્યર્પણની અપીલ બાદ શનિવારે (12મી એપ્રિલ, 2025)ના રોજ મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે. હવે તેના પ્રત્યર્પણની તૈયારીઓ કરવામાં આવશે. જો કે, તેનો વકીલ તબીયત અને અન્ય બહાનાઓ થકી કોર્ટમાં જામીન મેળવવા વલખાં મારી રહ્યો છે.
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે બેલ્જિયમમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ મોદી સરકારના શાસન હેઠળ ભારતીય રાજદ્વારીનો વિજય છે. આ ભારત માટે ગર્વની વાત છે. ભૂતપૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીનું પ્રત્યર્પણ એક મોટો મહત્ત્વનો નિર્ણય હશે, પરંતુ તેમાં ઘણો સમય લાગી શકે છે. 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાના અમેરિકાથી તાજેતરમાં પ્રત્યર્પણને 17 વર્ષ લાગ્યા હતાં. જેથી આપણે ચોક્સીનું ટૂંક સમયમાં પ્રત્યર્પણ થશે તેવી અપેક્ષા રાખી શકીએ નહીં.