NEET UG 2025 Exam Date : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આગામી 4 મે, 2025ના રોજ યોજાશે. ગેરરીતિ અટકાવવા નીટની પરીક્ષામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર એકપણ ખાનગી સંસ્થાને નીટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવશે નહીં, ફક્ત સરકારી સંસ્થાઓમાં જ પરીક્ષા લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓને પેપરમાં મળતો ઓપ્શનનો લાભ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ખાનગી સંસ્થાને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવાનો નિર્ણય લેવાયો
પંચમહાલમાં NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મે 2025માં યોજાનારી NEETની પરીક્ષાને લઇને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દેશમાં પ્રથમવાર સેન્ટરની પસંદગી માટે કમિટી બનાવવાનો નિર્ણય લાવાયો હતો. આ સાથે જ ખાનગી સંસ્થાને પરીક્ષા કેન્દ્ર ન ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
મહત્ત્વનું છે કે, ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષાના કેન્દ્રમાં ઉમેદવારોને પાસ કરાવવાનું કૌભાંડ મે માસના પ્રારંભમાં ઝડપાયા બાદ તેના પડઘા સમગ્ર દેશભરમાં પડયા હતા.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત
NTA દ્વારા NEETની પરીક્ષા આગામી 4 મે રવિવારના રોજ યોજાશે. જેમાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકનું પેપર રહેશે. પરીક્ષાના અમુક દિવસ પહેલા એડમિટ કાર્ડ ડાઉનલોડ થવાના શરૂ થશે. જેની સત્તાવાર માહિતી neet.nta.nic.in પરથી મેળવી શકાશે.