Violence Erupts Again in Bengal Over Waqf Act : વક્ફ એક્ટ વિરુદ્ધ પશ્ચિમ બંગાળમાં પરિસ્થતિ સતત વણસી રહી છે. હિંસાની આગ મુર્શિદાબાદથી હવે દક્ષિણ 24 પરગના સુધી પહોંચી ગઈ છે. આજે ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તા તથા પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ. પોલીસે ISFની રેલી રોકી હતી જે બાદ અથડામણ શરૂ થઈ અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. જે બાદ ISFએ અનેક જગ્યાઓ પર તોડફોડ અને પોલીસની ગાડીમાં આગચંપી કરી હતી. દક્ષિણ 24 પરગનાના ભાંગડ વિસ્તારમાં ISFના કાર્યકરોએ આગચંપી અને તોડફોડ કરી હતી. જે બાદ ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
TMCનો BSFના જવાનો પર ગંભીર આરોપ
તૃણમૂલ કોંગ્રેસે હિંસા માટે BSFના જવાનો પર જ આરોપ લગાવ્યા છે. TMCનો આરોપ છે કે, ‘BSFના જવાનો બહારના લોકોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરી રહી છે જે હિંસા ફેલાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ.’
બંગાળના મંત્રી અસંવેદનશીલ નિવેદન
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દાવો છે કે હિંસાના કારણે અનેક હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા છે. એવામાં બંગાળના મંત્રી ફિરહાદ હકીમે કહ્યું છે, કે ‘જે થયું એ થયું. પોલીસ તપાસ થઈ રહી છે, પલાયન કરનારા બંગાળમાં જ છે.’ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુકાંત મજૂમદારે હિંસા પીડિત પરિવારની મુલાકાત કરી હતી. હિંસાના કારણે અનેક પરિવારો શાળામાં શરણ લેવા મજબૂર બન્યા છે.
મુર્શિદાબાદમાં આખું ગામ સળગાવ્યું
મુર્શિદાબાદમાં થયેલી હિંસા મામલે બંગાળના CPIMના સચિવ મોહમ્મદ સલિમે કહ્યું છે, કે ‘જ્યાં હિંસા થઈ અને લોકોએ જીવ ગુમાવ્યા ત્યાં પોલીસ હાજર જ નહોતી. ગામના લોકોએ કાકલૂદી કરી છતાં પોલીસે હિંસા થવા દીધી અને આખું ગામ સળગાવી નાંખવામાં આવ્યું. જ્યાં લૂંટ થઈ ત્યાં પોલીસની એક ગાડી પણ નહોતી.’
વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે મુર્શિદાબાદમાં ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા-પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. સ્થાનિક અહેવાલો અનુસાર ટોળાંએ લૂંટપાટના ઈરાદે હુમલો કર્યો હતો. પિતા અને પુત્રએ ટોળાંનો પ્રતિકાર કરતાં તેમને ઢોર માર મારવામાં આવ્યો. મૃતકોના નામ હરગોવિંદ દાસ તથા ચંદન દાસ છે.
જીવું છું ત્યાં સુધી વક્ફ કાયદો બંગાળમાં લાગુ નહીં થાય: મમતા બેનરજી
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હિંસા કરી રહેલા લોકોને વાયદો આપ્યો છે કે રાજ્યમાં આ કાયદો લાગુ નહીં થાય. મમતા બેનરજીએ કહ્યું છે કે, ‘જે કાયદાના કારણે તમે નારાજ છો તે અમે નથી બનાવ્યો, કેન્દ્ર સરકાર બનાવ્યો છે. તેથી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગો. અમે કહ્યું છે કે રાજ્યમાં આ કાયદો લાગુ જ નહીં થાય તો હિંસા કેમ થઈ રહી છે? દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે. ધર્મના નામે કોઈ પણ ખોટું કામ ન કરશો.’ મમતા બેનરજીનો આરોપ છે કે રાજ્યની વિપક્ષી પાર્ટીઓ હિંસા ભડકાવી રહી છે.