India Heavy Rain Alert : ગુજરાત સહિત અનેક રાજ્યો હાલ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ગુજરાત સહિત 18 રાજ્યો માટે વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી કહી છે. આગામી સપ્તાહમાં એટલે કે આજથી 18 જૂન સુધી અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આઈએમડીએ ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-NCR, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આંદામાન-નિકોબાર માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
9થી 15 જૂન દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના જુદા જુદા ભાગોમાં 9થી 12 જૂન વચ્ચે ભારે વરસાદ, કેરળ અને માહેમાં 9થી 15 જૂન દરમિયાન મૂશળધાર વરસાદ, રાયલસીમામાં 10થી 13 જૂને ભારે વરસાદ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તારો અને યનમમાં 11થી 12 જૂન ભારે વરસાદ, તેલંગણામાં 12 જૂને મૂશળધાર વરસાદ, કર્ણાટકમાં 9થી 10 જૂને વરસાદ, લક્ષદ્વીપમાં 13 જૂને ભારે વરસાદ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારોમાં 11થી 15 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.