– સપ્તાહમાં એક દિવસનો કાપ ઉપરાંત દરરોજ 2-3 વખત વીજળી ખોરવાતી હોવાની રાવ
– લાઈટ ડૂલ થયા બાદ ક્યારે આવે તે નક્કી નથી હોતું, ફોન કરે તો સતત વ્યસ્ત આવતો હોવાનો કકળાટ
સિહોર :સિહોરમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીના પાપે ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયા રહેતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે.
સિહોર શહેરમાં દર શુક્રવારે લાઈટ કાપ ફરજીયાત છે. તેમ છતાં સપ્તાહમાં ભાગ્યે જ એવો દિવસ રહેતો હશે કે જ્યારે વીજ પ્રવાહ ખોરવાયો ન હોય! દિવસ-રાત્રિના સમયે બેથી ત્રણ વખત વીજળી ડૂલ થઈ જાય જ છે. લાઈટ ગયા પછી ક્યારે વીજ પ્રવાહ પૂર્વવત થાય તે નક્કી હોતું નથી. શહેરના લીલાપીર, ઘાંચીવાડ, મોંઘીબાની જગ્યા, મકાતનો ઢાળ, કંસારી બજાર, જૂનું સિહોર, ઘનકેડી, પ્રગટનાથ રોડ, પાળિયાધાર રોડ, બસ સ્ટેન્ડ રોડ, સિધ્ધી કોલોની, શિવશક્તિ, કૈલાસનગર, ગૌતમેશ્વરનગર, માધવનગર, ગદીશ્વરાનગર, અલકાપુરી, રાજપૂત સોસાયટી સહિતના વિસ્તારમાં પીજીવીસીએલની ઘોર બેદરકારીના પાપે દરરોજ વીજ ધાંધિયા રહે છે. કોઈ નાગરિક પીજીવીસીએલની કચેરીએ ફરિયાદ કરવા ફોન કરે તો હાજર કર્મચારી દ્વારા ફોનને સાઈડમાં મુકી દેવામાં આવતો હોય, તેમ ફોન સતત વ્યસ્ત આવે છે. જેથી કંટાળીને આખરે ગ્રાહકો ફોન જ કરવાનું ટાળે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ ધાંધિયા રહેતા હોવાના કારણે બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ તંત્રએ લોકોને પડતી કાયમી હાડમારીના નિવારણ માટે પગલા ભરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. વધુમાં ચોમાસાના સમયમાં વરસાદના બે-ચાર છાંટા પડે ત્યાં લાઈટ ડૂલ થઈ જાય છે, જે પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલે છે. આ પ્રશ્નનો પણ કાયમી ઉકેલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.