– રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ વારસદારે ગુનો નોંધાવ્યો
– નડિયાદના અર્જૂન ભરવાડ અને નવા બિલોદરાના આલા ભરવાડે અન્ય વ્યક્તિઓની મદદથી 50 વર્ષ પહેલા મૃત્યુ પામેલાની જમીનના દસ્તાવેજ કરાવી લીધા
નડિયાદ : નડિયાદ તાલુકાના હાથજમાં આવેલી ખેતીલાયક જમીનના મુખ્ય માલિક વર્ષ ૧૯૭૧માં અવસાન પામ્યા હોવા છતાં ગત વર્ષે નડિયાદ અને નવા બિલોદરાના બે ભૂમાફિયાઓએ અન્ય વ્યક્તિઓની મદદ લઈ એક જમીનના વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા. આ મામલે જમીનના મૂળ માલિકના વારસદારની રજૂઆત બાદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નિમાયેલી સીટે ફરિયાદ નોંધવા માટે હુકમ કરતા હાલ આ મામલે નડિયાદ ગ્રામ્ય મથકે ગુનો નોંધાયો છે.
નડિયાદમાં આવેલા મનહરવાડીના ખાચામાં રહેતા આશિષ હર્ષદભાઈ પટેલની વડીલોપાજત ખેતીલાયક જમીન નડિયાદ તાલુકાના હાથજમાં આવેલી છે. આ જમીન લાંબા સમયથી બિનવારસી હોવાની જાણ દલાલ તરીકે કામ કરતા નવા બિલોદરાના આલાભાઇ જગમાલભાઈ ભરવાડ અને મરીડાના સંગ્રામભાઈ વનાભાઈ ભરવાડને થઈ હતી. તેમણે આ અંગેની જાણ નડિયાદ કપડવંજ રોડ પર આવેલા એસઆરપી ક્વાર્ટરમાં રહેતા અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડને કરી હતી. આ તમામ લોકોએ ભેગા થઈને આ જમીન પચાવી પાડવા માટે કારસ્તાન કર્યું હતું અને ભળતું નામ ધરાવનાર પીપલગના જેઠાભાઇ બેચરભાઈ પટેલનું આધારકાર્ડ મેળવ્યું હતું અને ફોટામાં ચેનચાળા કરી ડમી આધારકાર્ડ બનાવ્યું હતું. તે બાદ અજાણી વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલનું નામ ધારણ કરાવી અને નડિયાદ સબ રજીસ્ટર કચેરીમાં તારીખ ૯/૮/૨૦૨૪ના રોજ હાજર રાખી વેચાણ દસ્તાવેજ બ્લોક નંબર ૩૦૨વાળી જમીન ૪૧.૪૮ ગુંઠા જમીન અર્જુનભાઈ ભરવાડે પોતાના નામે દસ્તાવેજ કરી લીધી હતી. આ અંગેની જાણ આશિષભાઈ હર્ષદભાઈ પટેલને થઈ હતી, તેમણે તમામ દસ્તાવેજી પુરાવાઓ સબ રજીસ્ટર કચેરી અને મામલતદાર કચેરીમાંથી મેળવ્યા હતા, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી અને આખુ રેકેટ બહાર આવ્યું હતું. જેથી આ મામલે આશિષભાઈએ કલેક્ટરની અધ્યક્ષતાવાળી સીટમાં અરજી કરી અને પુરાવા રજૂ કર્યા હતા. જેથી આ સીટ દ્વારા તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા આદેશ કરાયો છે. જેના પગલે નડિયાદ ગ્રામ્ય મથકે અર્જુન ગોબરભાઈ ભરવાડ અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.
બે જુદી જુદી ફરિયાદ નોંધવા આદેશ કર્યો
આ તમામ બાબતો બહાર આવતા આશિષભાઈ હર્ષદભાઈ પટેલે ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતાની સીટે બે અલગ અલગ ફરિયાદોનો આદેશ કર્યો છે. એકમાં આરોપી તરીકે અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડ, આલાભાઇ જગમાલભાઈ ભરવાડ, સંગ્રામભાઈ મનાભાઈ ભરવાડ અને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે નામ ધારણ કરી આવનારી અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે બીજી જમીનના વેચાણ દસ્તાવેજ માટે ટોકન તારીખ લીધી હતી. તે ફરિયાદમાં અર્જુનભાઈ ગોબરભાઇ ભરવાડ અને આલાભાઇ જગમાલભાઇ ભરવાડ તેમજ અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાયો છે.
અન્ય જમીન હડપી લેવા ટોકન પણ ખરીદી લીધેલું
અર્જુન ભરવાડ અને તેના અન્ય સાગરીતોએ હાથજની જ બ્લોક નંબર ૨૧૭ વાળી ૮૬ ગુંઠા જમીન હડપી લેવાનો કારસો રચ્યો હતો. જેમાં દસ્તાવેજની તારીખ લેવા માટે અરજી કરી ટોકન પણ લઈ લીધું હતું. આ જમીન પણ તેઓ ગેરકાયદે પડાવીની તૈયારી કરી હતી. પરંતુ મૂળ માલિકના વારસદાર સક્રિય થતા આરોપીઓએ આ દસ્તાવેજ માંડી વાળ્યો હતો.
બે સાક્ષી, તત્કાલિન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા
સમગ્ર મામલે જ્યારે અર્જુન ભરવાડે આ દસ્તાવેજ કર્યો, તે વખતે સાક્ષી તરીકે નયનભાઈ સોલંકી અને વિવેક કદમે સહી કરી હતી. આ સિવાય બોગસ આધારકાર્ડ હોવા છતાં દસ્તાવેજ કરી દેવાયો, તેમાં સબ રજીસ્ટાર વિભાગના તત્કાલિન અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે.
આધારકાર્ડમાં ફોટા સાથે છેડછાડ કરાઈ
મૂળ જમીન માલિકના ભળતા નામવાળા પીપલગના જેઠાભાઈ બેચરભાઈ ૨૦૧૯માં મૃત્યુ પામ્યા હતા. તેમના નામના આધારકાર્ડમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોટો સેટ કરી અને બોગસ આધારકાર્ડ ઉભું કર્યા બાદ બોગસ વ્યક્તિના ઉપયોગથી દસ્તાવેજ કરાયો હતો.