MP MLA’s Son Beating Devas Mata Mandir Pujari: મધ્ય પ્રદેશના દેવાસમાં માતા ટેકરી પર અડધી રાત્રે ભાજપ ધારાસભ્યના પુત્રની ગુંડાગીરી સામે પોલીસ મૂકદર્શક બની હતી. કોંગ્રેસ અને પૂજારી સંગઠન દ્વારા આ મામલે ભારે વિરોધ થતાં અંતે ચાર દિવસ બાદ પોલીસે ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષ સહિત નવ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. સીસીટીવી ફુટેજના આધારે રૂદ્રાક્ષે પિતા ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો. પોલીસે તેની વિરૂદ્ધ જાહેરમાં ગાળાગાળી, બેદરકારીપૂર્વક વાહન હંકારવા ઉપરાંત ધક્કામુક્કી કરવા સહિત ખુલ્લેઆમ ગુંડાગીરી કરવાની કલમો હેઠળ કેસ નોંધાયો છે. તેનું વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. છોટી માતા મંદિરના પુજારી ઉપદેશ નાથે તેની વિરૂદ્ધ 12 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દેવાસના જીતુ રઘુવંશી વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધી છે.
ત્રણ દિવસમાં માફી માગવાની માગ
ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રૂદ્રાક્ષ શુક્લાની ગુંડાગીરી પર કોંગ્રેસે શાસક પક્ષ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે મંદિર પુજારી સંગઠનનો પત્ર જાહેર કરી ધારાસભ્યના પુત્રને ત્રણ દિવસની અંદર જાહેરમાં માફી માગવાની માગ કરી છે. કોંગ્રેસ શહેર અધ્યક્ષ સુરજીત સિંહ ચડ્ડાએ જણાવ્યું કે, તે રાત્રે 12 વાગ્યે પુજા કરવા ગયો, તેના કરતાં સવારે ચાર વાગ્યે જતો. સવારે ચાર વાગ્યે મંદિર-મસ્જિદ, ગુરૂદ્વારા, અને ચર્ચના દ્વાર ખુલે છે. સનાતની ધારાસભ્ય પોતાના દિકરાને સમજાવે અને શીખવે કે, મંદિરે જવાનો યોગ્ય સમય શું છે?
આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
પુજારી સાથે મારપીટ કરી
મોડી રાત્રે 12.40 વાગ્યે દેવાસના પ્રસિદ્ધ ચામુંડા માતાના મંદિરે ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લાના પુત્ર રુદ્રાક્ષે પોતાના મિત્રો સાથે આશરે એક ડઝન કારના કાફલા સાથે પહોંચ્યો હતો. જ્યાં તેણે બંધ મંદિરના પટ ખોલવા ગાળાગાળી કરી હતી. ધાક-ધમકી આપતાં પુજારીને માર પણ માર્યો હતો. તમામ લોકો નશામાં હતાં. આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ સ્પષ્ટતા આપતાં નિવેદન આપ્યું હતું કે, રાત્રે ઈન્દોરથી અમુક દર્શનાર્થીઓ ગાડીઓના કાફલા સાથે મંદિરે પહોંચ્યા હતા. 30-40 લોકો નશામાં હતાં. તેમણે મંદિરના પટ ખોલવા માટે દબાણ કર્યું અને ધમકી આપી તેમજ મારપીટ પણ કરી. આ કાફલામાં બે-ત્રણ ગાડીઓ પર લાલ બત્તી પણ હતી. આરોપી કોઈનો પણ પુત્ર કેમ ન હોય, કાયદો તમામ માટે સમાન છે. સરકાર આ મામલે તપાસ કરી દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરશે.
પુજારી સંગઠને પણ આપી ચેતવણી
ઈન્દોરના મઠ-મંદિર પુજારી સંગઠને પત્ર લખી ચેતવણી આપી છે કે, જો રૂદ્રાક્ષ માફી નહીં માગે તો મોટાપાયે આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અબ્બાસ હાફીઝે જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં એફઆઈઆર હોદ્દો અને વ્યક્તિ જોઈને નોંધવામાં આવે છે. દેવાસમાં અડોડાઈ અને ગુંડાગીરી કરનારા ધારાસભ્યના પુત્ર વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવતી નથી. ફોટો-વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોવા છતાં ભાજપ સરકાર નક્કી કરશે કે, તે ધારાસભ્યનો પુત્ર છે કે નહીં.