Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ઓસવાળ હોસ્પિટલના સર્કલથી પવનચક્કી થઈને સાધના કોલોની રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએ થી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મોટી ટુકડી આજે રણજીત સાગર રોડ પર દોડતી થઈ હતી, અને ત્રણ જેટલા ટ્રેકટરમાં રેકડી પથારાના માલસામાનની જપ્તિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉપરોક્ત માર્ગે મોટાપાયે શેરડીના રસના ચિચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઊભા કરાવી દેવાયા હતા. ઉપરાંત તરબૂચ, કેરી તથા અન્ય ફળ ફ્રૂટના વેચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઊભી કરી દેવામાં આવી હતી, તેવા 15 જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે, અને આશરે ત્રણ ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં રેકડી પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.