Rajkot 54 Year Old Man Commits Suicide: રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં GIDC માં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય આધેડે વીડિયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોલીસ સામે આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે, હું પોલીસના ત્રાસથી કંટાળી આ પગલું ભરૂ છું.
શું હતી ઘટના?
રાજકોટના કાલાવાડ રોડ પર અંજલિ પાર્કમાં રહેતા કાંતિભાઈ 54 વર્ષીય કાંતિભાઈ દાફડાએ સોમવારે (14 એપ્રિલ) ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં તેમણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ વીડિયોમાં તેમણે પોલીસ તંત્ર અને સ્થાનિક પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. આ સિવાય વીડિયોમાં તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, હું પોલીસના ત્રાસથી કંટાળીને જ આ પગલું ભરી રહ્યો છું. હાલ, તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા
વીડિયો બનાવી કર્યો આપઘાતનો પ્રયાસ
વીડિયોમાં કાંતિભાઈએ કહ્યું કે, ‘ઓગસ્ટ, 2024માં મેટોડામાં નિલકમ પાસે જુગાર રમતા અમુક આરોપીને પોલીસે પકડ્યા હતાં. હું ત્યારે ત્યાંથી રિક્ષા લઈને નીકળતો હતો તો પોલીસે આરોપીઓને બેસાડવા મારી પાસે રિક્ષાની ચાવી માંગી હતી. બાદમાં તેઓ મારી રિક્ષા લઈને મોટેડા પોલીસ મથક પહોંચ્યા. ત્યાં જઈને જ્યારે મેં રિક્ષા માંગી તો રિક્ષા પરત આપવાની બદલે મારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે મેં રિક્ષા છોડાવવા જતા જોયું તો રિક્ષામાં ઘણું નુકસાન થયેલું હતું. આ નુકસાન વિશે મેં પોલીસને પૂછ્યું તો મને કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. મેં ઘટના અંગે એસપી કચેરીમાં અરજી કરી તેમજ RTI મારફતે પણ જવાબ માંગ્યો. જોકે, મેં અરજી કરી ત્યારથી મને પોલીસ તરફથી ધમકીઓ મરવા લાગી અને મારા પર સતત માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. મને જાતિવાચક શબ્દો દ્વારા અપમાનિત કરવામાં આવતો અને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતો. જેના કારણે હું આ પગલું ભરૂ છું. મારી સરકારને એટલી વિનંતી છે કે, દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી પોલીસ સ્ટેશનમાં કોઈ વાહન લાવવામાં આવે તો સીસીટીવ દ્વારા તેના પર નજર રાખી શકાય. હાલ તો પોલીસ સ્ટેશનની અંદર જંગલ જેવી સ્થિતિ છે, બે નંબરના ધંધા કરવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી હટાવી દેવામાં આવે છે.’
આ પણ વાંચોઃ વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદિલી
નોંધનીય છે કે, સમગ્ર ઘટના અને વીડિયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલ કાંતિભાઈની તબિયત નાજુક છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની સ્થિતિ સુધરતા પોલીસ દ્વારા આ મુદ્દે નિવેદન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.