– અલ્લાહાબાદ હાઈકોર્ટના આઘાતજનક ચૂકાદાથી દેશભરમાં હોબાળો
– બળાત્કારના પ્રયાસ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હટાવી હળવી કલમો હેઠળ સમન પાઠવવા ન્યાયાધીશ મિશ્રાનો આદેશ
– ગુનાની તૈયારી અને હકીકતમાં ગુનાનો પ્રયત્ન કરવો એ બંને વચ્ચે અંતર છે : હાઈકોર્ટના ન્યાયાધીશ મિશ્રા
પ્રયાગરાજ : સગીર બાળકી પર બળાત્કારના પ્રયાસના વર્ષ ૨૦૨૧ના જૂના કેસની સુનાવણી સમયે અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયમ મિશ્રાએ આપેલા ચૂકાદાએ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચાવ્યો છે. ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે, કોઈ પીડિતાના સ્તન પકડવા અથવા કપડાં ઉતારવાના પ્રયત્નને બળાત્કારનો ગૂનો કહી શકાય નહીં. તેને જાતીય સતામણી જરૂર કહી શકાય. આ સાથે ન્યાયાધીશે આરોપીઓ સામે મામૂલી આરોપો સાથે કેસ ચલાવવાના નિર્દેશ આપ્યા, જેમાં સજાની જોગવાઈ બળાત્કારના કેસ કરતાં ઓછી છે.
અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર મિશ્રાની સિંગલ બેન્ચે ૧૭ માર્ચે ૨૦૨૧ના સગીરા પર બળાત્કારના કેસમાં કાસગંજની પોક્સો કોર્ટના સ્પેશિયલ જજના સમનના આદેશમાં સુધારો કર્યો હતો. હાઈકોર્ટે આ આદેશના આધારે કાસગંજ જિલ્લાના ત્રણ આરોપીઓ પવન, આકાશ અને અશોકને મોટી રાહત આપતા તેમના વિરુદ્ધ ટ્રાયલ કોર્ટને નવેસરથી સમન પાઠવવા આદેશ આપ્યો હતો. અશોક પવનનો પિતા છે.
આરોપીઓએ દાખલ કરેલી ક્રિમિનલ રિવિઝનની અરજીને આંશિક રીતે મંજૂર રાખતા ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે બળાત્કારના પ્રયાસ અને પોક્સોની કલમ ૧૮ હેઠળ જારી કરાયેલા સમન કાયદેસર નથી. હાઈકોર્ટે નીચલી અદાલતને સમનનમાં ફેરફાર કરતા છેડતી અને પોક્સો એક્ટની અન્ય કલમો હેઠળ સમન આદેશ આપવા કહ્યું હતું.
ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે, સ્તનોને પકડવા, તેના પાયજામાનું નાડું તોડવું અને તેને પુલ નીચે ખેંચવાનો પ્રયત્ન કરવો એ બળાત્કાર અથવા બળાત્કારના પ્રયાસના આરોપ લગાવવા માટે પર્યાપ્ત કૃત્ય નથી. ગૂનાની તૈયરી અને હકીકતમાં ગૂનાનો પ્રયત્ન કરવો એ બંને વચ્ચે અંતર છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજની છે અને પટિયાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. પીડિતા ૧૧ વર્ષની બાળકી છે. તેની માતાઓ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેે ૧૧ વર્ષની દીકરી સાથે જઈ રહી હતી ત્યારે પવન અને આકાશ નામના આરોપીઓ કાર લઈને આવ્યા હતા. માતા-દીકરીને જોઈને તેમણે કાર રોકી અને લીફ્ટ આપવાની વાત કરી. પછી પીડિતાના સ્તન પકડી લીધા હતા, તેના પાયજામાનું નાડું તોડી નાંખ્યું હતું અને તેને પુલ નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીએ બૂમાબૂમ કરતાં રાહદારીઓ બચાવમાં આવ્યા હતા, જેથી બંને આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પીડિતાની માતાએ પવનના પિતા અશોકને ફરિયાદ કરી ત્યારે તેણે માતાને ધમકી આપી હતી.
આ કેસમાં આરોપીઓ આકાશ, પવન અને અશોકને શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે આઈપીસીની કલમ ૩૭૬ અને પોક્સો કાયદાની કલમ ૧૮ હેઠળ કેસ ચલાવવા માટે સમન પાઠવ્યા હતા. આરોપીઓએ આ સમનને હાઈકોર્ટમાં પડકાર્યા હતા અને તેમના પર હળવી કલમો લગાવવા અરજી કરી હતી.
ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે ૧૭ માર્ચે કાસગંજની સ્પેશિયલ જજ પોક્સો કોર્ટના સમન્સના આદેશમાં ફેરફાર કર્યો છે. જસ્ટિસ મિશ્રાએ નિર્દેશ આપ્યો છે કે આરોપીઓ પર પોક્સો કાયદાની કલમ ૯/૧૦ (ગંભીર જાતીય હુમલો) અને આઈપીસીની કલમ ૩૫૪- બી (કપડાં ઉતારવાના ઇરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ)ના આરોપ હેઠળ કેસ ચલાવવામાં આવે. આ કલમો હેઠળ બહુ ઓછી સજા થાય છે એ જોતાં જસ્ટિસ મિશ્રાના ઈરાદા સામે શંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.