નવી દિલ્હી,
તા. ૨૦
દેશમાં નકસલવાદ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને જડ મૂળમાંથી
ઉખેડી ફેંકવા સરકાર અલગ અલગ પ્રકારની રણનીતિ હેઠળ કાર્ય કરી રહી છે. છત્તીસગઢમાં
નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ મોટું ઓપરેશન હાથ ધરી ૩૦ નકસલીઓનો સફાયો કર્યો છે.
નકસલીઓ વિરુદ્ધ આ
કાર્યવાહી બીજાપુર અને કાંકેરમાં કરવામાં આવી છે. અથડામણમાં મૃત્યુ પામેલા નકસલીઓ
પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહીમાં એક જવાન શહીદ થયો છે. સૂત્રોના જણાવ્યા
અનુસાર નકસલીઓ વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવશે. સુરક્ષા
દળો નકસલી કમાન્ડર હિડમાને શોધી રહ્યાં છે.
હિડમાને શોધવા માટે ૧૨૫થી વધારે ગામોનું ટેકનિકલ મેપિંગ
કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો છત્તીસગઢ, ઓડિશા અને આંધ્ર પ્રદેશની બોર્ડર પર આવેલા લગભગ ૧૨૫ ગામોનું
થર્મલ ઇમેજિંગ કરી રહ્યાં છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ ૨૦૨૫ના વર્ષમાં અત્યાર
સુધીમાં૧૧૩ નકસલીઓને ઠાર માર્યા છે.
આ વિસ્તારો નકસલગ્રસ્ત છે અને ત્યાં હિડમા છુપાયો હોવાની
શંકા છે. આ વિસ્તારોમાં નકસલીઓના બેઝ બનેલા છે. સુરક્ષા દળો આ કાર્યમાં એનટીઆરઓની
મદદ લઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાને આગામી વર્ષે ૩૧
માર્ચ સુધીમાં નકસલવાદનો સફાયો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય ગૃહ
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર નકસલવાદીઓ વિરુદ્ધ ઝડપથી આગળ વધી રહી છે. જે નકસલી આત્મસમર્પણ કરી
રહ્યાં નથી તેમની વિરુદ્ધ ઝીરો ટોલેરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આગામી
વર્ષે ૩૧ માર્ચ પહેલા દેશ નકસલમુક્ત થઇ જશે.