વડોદરાઃ વડોદરાના મધ્યમાં આવેલી ઐતિહાસિક ઇમારત માંડવી નું અસ્તિત્વ જોખમાતાં તેને બચાવવા માટે રહીરહીને તંત્ર એક્શનમાં આવ્યું છે.
દોઢ હજાર વર્ષથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતા માંડવી ગેટના કાંગરા લાંબા સમયથી ખરી રહ્યા હતા.હવે પિલરોમાં તીરાડો પડી રહી છે અને બે દિવસ પહેલાં ઇમારતનો મોટો ભાગ તૂટી પડયો હતો.જેને કારણે મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.
વડોદરાની શાન ગણાતા માંડવી ગેટને બચાવી લેવા માટે સ્થાનિક રહીશોમાં ઉગ્ર માંગણી થઇ રહી છે ત્યારે રાવપુરાના ધારાસભ્યએ આજે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રાજ્યના ડાયરેક્ટરને જાણ કરતાં તેમણે ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ગ્રેસને આજે મોકલ્યા હતા.માંડવીનો સર્વે કર્યા બાદ તેમણે કલેક્ટર અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.
એએસઆઇના ડે.ડાયરેક્ટરે કહ્યું હતું કે, માંડવીની ભવ્ય ઇમારત દિવસેને દિવસે ક્ષીણ થઇ રહી છે.વળી આ વિસ્તારમાં સતત ઘોંઘાટ રહેતો હોય છે.જો માંડવીનું તાકિદે રિસ્ટોરેશન કરવામાં નહિ આવે તો ગમે તે ઘડીએ ઇમારત ધ્વસ્ત થઇ શકે છે.નોંધનીય છે કે,આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી માંડવી થી માંડ ૫૦ મીટરના અંતરે આવેલી છે.પરંતુ જ્યારે ઇમારત તૂટવા માંડી છે ત્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની એન્ટ્રી થઇ છે.
રાધિકા રાજેએ માંડવીને લઇ કહ્યું,કુછ કહેંગે તો વિવાદ હો જાયેગા
માંડવી ગેટને સદીઓથી રાજવી શાસકો સાથે નિસ્બત રહી છે.માંડવીની ઇમારત જોખમાતાં રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે પણ પોતાનો ભાવ વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહતા.સોશ્યલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં તેમણે માંડવીની દુર્દશા દેખાડતો ફોટો મૂકી ટકોર કરી હતી કે,કુછ કહેંગે તો વિવાદ હો જાયેગા.
પાંચ વર્ષ પહેલાં જ રિસ્ટોરેશન કરાયું હતું
માંડવીની ઇમારત જોખમી બનતાં પાંચ વર્ષ પહેલાં જ કોર્પોરેશને આર્કિયોલોજી સાથે સંકલન કરી રિસ્ટોરેશન કરાવ્યું હતું.જો કે આ રિસ્ટોરેશન પાંચ વર્ષ સુધી જ ઇમારતને સંરક્ષિત કરી શકશે તેમ પણ કહેવાયું હતું.હવે આ ઇમારતનો કાયમી ઉકેલ લાવવો જરૃરી છે.