યમુનાનગર નજીક સ્મશાનમાં ફાયર બ્રિગેડ પહોંચતા ભાંડો ફૂટયો
અઠવાડિયાથી સ્મશાનની સાફ-સફાઈ ચાલતી હોવાથી તાળું મારતા નહીં, જેનો ગેરલાભ લઈને સરકારી ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણાંનો જથ્થો ફેંકી જતાં ચકચાર
મોરબી: મોરબીના યમુનાનગર નજીક આવેલા અનુ.જાતિ-સમાજના સ્મશાનમાં આજે આગ લાગી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કામગીરી શરુ કરી હતી. જો કે, ખુલ્લા મેદાનમાં જેમાં આગ લાગી હતી, તે સ્થળે સરકારી અનાજ ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો સડેલો જથ્થો હતો. જેથી રહસ્યમય આગજનીની ઘટનાની જાણ કરાતા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી.
જે બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં યમુનાનગર નજીક અમરેલી રોડ પર આવેલા અનુ.જાતિ-સમાજના સ્મશાનમાં આજે સવારે આગ લાગી હતી. સ્મશાનનાં ગ્રાઉન્ડમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આગ કચરાના ઢગલામાં લાગી હતી અને આગ પર આંશિક કાબુ મેળવતા સરકારી અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેથી સરકારી અનાજનો સડેલો જથ્થો બાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા બળવતર બનતા પુરવાઠા વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ અંગે દલિત સમાજના સ્મશાન ખાતે સેવા આપતા સુખાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, અહીં સ્મશાન ચોખ્ખું કરીને આઠ દિવસથી ટ્રેક્ટરથી ભરતી નાખવામાં આવી રહી છે. જેથી તાળું લગાવતા નથી. ગત રાત્રીના કોઈ અજાણ્યો ઇસમ સરકારી અનાજનો જથ્થો નાખી ગયા હોઈ શકે છે. સવારે આગ લાગી હોવાની જાણ થતાં અહીં આવતા સરકારી અનાજનો સડેલો જથ્થો મળી આવ્યો હતો. જે કોણ નાખી ગયું ? તે અંગે કોઈ માહિતી નથી.
તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯નો નીકળ્યો
મોરબી પુરવઠા વિભાગના જિલ્લા નાયબ મેનેજર દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, આજે આગની ઘટના બની જ્યાંથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને ચણાનો જથ્થો મળ્યો હોવાની માહિતી મળતા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો તપાસ બાદ સરકારી છે કે નહિ તે નક્કી થશે. તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ ૨૦૧૮-૧૯નો મધ્યાહ્ન ભોજન યોજના અને આઈસીડીએસ વિભાગનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જો કે કઈ દુકાનનો જથ્થો છે તે તપાસ બાદ માલૂમ પડશે તેમજ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ કેટલો જથ્થો છે તે સ્પષ્ટ થશે તો તપાસ રીપોર્ટ ઉપરી અધિકારીને સોંપાશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.