![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી વેગથી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારમાં તેજીએ વેહ પકડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ વધી ઔંસના ૫૧૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા તથા મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૦૦૦ ઉછળ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ રૂ.૧૩૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ૫૦૪૮થી ૫૦૪૯ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૫૧૧૯ થઈ ૫૧૦૦થી ૫૧૦૧ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૮૨.૧૨ વાળા વધી ૮૬.૩૦ થઈ ૮૫.૮૧થી ૮૫.૮૨ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૨૧૦૭ વાળા વધી ૨૧૯૫ થઈ ૨૧૮૧થી ૨૧૮૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૭૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૬૬ ટકા ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૭૦ ડોલર ઉપર ગયા હતા.
દરમિયાન અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૧૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૬૬૯૨ તથા ૯૯૯ના રૂ.૧૫૭૩૨૨ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ સવારે ઘટયા પછી બપોર પછી ભાવ ફરી ઉંચકાયા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી રૂ.૨૬૬૪૪૯ રહ્યા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ ૬૯.૨૩થી વધી ૭૦.૩૦ થઈ ૭૦.૨૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૫.૪૩ થઈ ૬૫.૪૦ ડોલર રહ્યા હતા. ભારત સરકારે દેશના ઓઈલપ રિફાઈનર્સને અમેરિકા તથા વેનેઝુએલાનું ક્રૂડતેલ વધુ ખરીદવા જણાવ્યાના સમાચાર હતા.










