– દિલ્હી, મુંબઇ, અમદાવાદ સહિતના શહેરોમાં ૫૫ સ્થળોએ તપાસ
– નવા પુરાવાઓના સંદર્ભમાં ઇઝ માય ટ્રીપના 39 વર્ષીય ચેરમેન પિટ્ટીની દિલ્હી સ્થિત ઓફિસ અને પરિસરોમાં કાર્યવાહી
– ઇડીને શંકા છે કે મહાદેવ એપના ગેરકાયદે સંચાલનથી પ્રાપ્ત આવકને ઇઝ માય ટ્રિપના સહ સ્થાપક પિટ્ટીથી જોડાયેલ સંસ્થાઓને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવી
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં આજે ઓનલાઇન ટ્રાવેલ બુકિંગ પોર્ટલ ઇઝ માય ટ્રિપના સહ સંસ્થાપક નિશાંત પિટ્ટીના પરિસરો સહિત અન્ય રાજ્યોના વિભિન્ન સ્થળોએ નવેસરથી દરોડા પાડયા હતાં તેમ અધિકારીઓએ આ માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી, મુંબઇ, ચંડીગઢ, અમદાવાદ, ઇન્દોર, જયપુર, ચેન્નાઇ અને ઓડિશામાં સંબલપુરમાં કુલ ૫૫ સ્થળોએ દરોડા પાડયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં એકત્ર કરવામાં આવેલા નવા પુરાવાઓના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. ઇઝ માય ટ્રીપના ૩૯ વર્ષીય ચેરમેન પિટ્ટીની દિલ્હી સ્થિત ઓફિસ અને પરિસરોમાં દરોડા પાડવામા આવ્યા હતાં.
ઇડીની આ કાર્યવાહી અંગે ઇઝ માય ટ્રિપને પૂછવામાં આવતા કંપનીએ અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. કંપનીની વેબસાઇટ અનુસાર ઇઝ માય ટ્રિપ ડોટ કોમની રચના ૨૦૦૮માં કરવામાં આવી હતી. અને તેની રચના ત્રણ પિટ્ટી ભાઇઓ નિશાંત, રિકાંત અને પ્રશાંત દ્વારા કરવામાં આવી હતી.
ઇડીને શંકા છે કે એપના ગેરકાયદે સંચાલનથી પ્રાપ્ત કેટલીક આવકને પિટ્ટીથી જોડાયેલ કેટલીક સંસ્થાઓને ગેરકાયદે ટ્રાન્સફર કરવામાં આવી હતી.
મહાદેવ સટ્ટાબાજી એપ એ સમયે હેડલાઇન્સમાં આવી હતી જ્યારે ફેડરલ તપાસ એજન્સીએ કેટલાક વર્ષ પહેલા દાવો કર્યો હતો કે છત્તીસગઢના અનેક ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓ આ એપથી જોડાયેલ ગેરકાયદે સંચાલન અને ત્યારબાદ થયેલી મોદ્રિક લેવડદેવડમાં કથિત રીતે સંલિપ્ત છે.
આ કેસમાં અગાઉ પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધી ૧૨ લોકોની ધરપકડ કરી છે અને કુલ ચાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઇડીએ આ કેસમાં અત્યાર સુધીમાં ૨૪૨૬ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. સંઘીય એજન્સીને શંકા છે કે આ ગેરકાયદેસર ધંધો ૬ હજાર કરોડ રૂપિયાનો છે.