– તારાપુર તાલુકાના ગોરાડ ગામમાં જમાઈ ‘જમ’ બન્યો
– ધોળકાના ત્રાસદ ગામથી દંપતી વૃદ્ધાની ખબર જોવા આવ્યા હતા : પૌત્રીને રોકાઈ જવા આગ્રહ કરતા જમાઈએ ઝઘડો કર્યો
તારાપુર : તારાપુરના ગોરાડ ગામે બીમાર નાનીની ખબર જોવા આવેલી પૌત્રીને પિયરમાં રોકાઈ જવા જેવી નજીવી બાબતે દાદી સાસુ સાથે જમાઈએ ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં દાદી સાસુને માથાના અને શરીરના ભાગે હથિયાર મારી હત્યા કરી જમાઈ ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસે સસરાની ફરિયાદના આધારે જમાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ તારાપુર તાલુકાના ગોરાડ અને હાલ ભાવનગર ખાતે નિરમા કંપનીમાં ડ્રાઇવિંગ કરતા જોરુભાઈ મફતભાઈ બેલદારની પુત્રીના લગ્ન ૭ વર્ષ પહેલા ધોળકા તાલુકાના ત્રાસદ ખાતે રહેતા મુમણભાઈ જીવણભાઈ ઉર્ફે બાધાભાઈ બેલદાર સાથે થયા હતા. ગત મંગળવારે જીરુભાઈ પર જમાઈ અને દીકરીનો ફોન આવતા માતા પામુબેનની તબિયત સારી ન હોવાની વાત જણાવી ખબર જોઈ જવા જણાવ્યું હતું. જેથી દીકરી નિકિતા જમાઈ મુમદભાઈ તથા ભાણી પ્રિયાંશી બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ગોરાડ ગામે પહોંચ્યા હતા.
પામુબેને પૌત્રી નિકિતા આવી હોવાથી ભાવનગર રહેતા પુત્ર જોરૂભાઈને ફોન કરીને ઘણા સમય બાદ પિયર આવેલી પૌત્રીને રોકાઈ જવાનું કહેવા જણાવ્યું હતું. બાદમાં પુત્ર જોરુભાઈએ પુત્રી તથા જમાઈને ઘરે રહી જવા જણાવ્યું હતું.
પામુબેને ફરી ફોન કરી જમાઈ નિકિતાને અહીં રાખવાની ના પાડે છે તેમ જણાવતા જોરૂભાઈએ જમાઈ મુમણભાઇને રોકાઈ જવા તથા બે દિવસ પછી નિકિતાને લઈ જજો તેમ જણાવ્યું હતું. ત્યારે જમાઈ મુમણભાઈ પામુબેન સાથે રકજક કરી ઉગ્ર બોલાચાલી કરવા લાગેલા. પામુબેન જમાઈને કહેતા હતા કે, હું નિકિતાને કોઈપણ ભોગે આજે ત્રાસદ જવા દેવાની નથી. આ સમયે જમાઈ બૂમો પાડીને કહેતો હતો કે નિકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે અને એકાદ માણસ ઓછું થશે તો પણ હું નિકિતાને ત્રાસદ લઈ જવાનો છું બાદમાં જમાઈએ માતા પામુબેનનો ફોન બંધ કરી દીધો હતો.
માતાનો ફોન ન લાગતા લીંબાસી રહેતા ભાણાને ફોન કરી ગોરાડ તપાસ કરવાનું કહેતા અડધા એક કલાક બાદ ગામમાં રહેતા નાના ભાઈએ ફોન કરી જોરુભાઈને જણાવેલું કે, ઘરમાં લોહી લુહાણ હાલતમાં બા પડેલા છે તથા તેમનું મોત થઈ ગયું છે. ભાવનગર રહેતો પુત્ર જોરુભાઈએ ગોરાડ આવી જોતા માતા લોહીલુહાણ હાલતમાં પડયા હતા. આ અંગે પુત્ર જોરૂભાઈની ફરિયાદના આધારે તારાપુર પોલીસે હત્યા કરી ફરાર જમાઈ મોમણભાઈ જીવણભાઈ ઉર્ફે બાધાભાઈ બેલદાર રહે. ત્રાસદ તા. ધોળકાવાળા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
કપાળ, બોચી, હથેળીમાં ઘાના નિશાન, આંગળી કાપી
કપાળના ભાગે જમણી બાજુ તથા બોચીના ભાગે ડાબી બાજુ ઘાના નિશાન હતા તથા ડાબા હાથની વચલી આંગળી કપાઈને તૂટી ગઈ હતી. જમણા હાથની હથેળીમાં ઘાનું નિશાન પણ હતું.