Delhi AAP New Chief: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની હાર બાદ પાર્ટી નેતૃત્વમાં મોટો ફેરફાર થયો છે. આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી પાર્ટીની બેઠક
આ ઉપરાંત પાર્ટીએ પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવ્યા છે. જ્યારે સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ પદની જવાબદારી મહારાજ મલિકને સોંપવામાં આવી છે.
આ બેઠકમાં સંગઠનના મહાસચિવ સંદીપ પાઠક, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદો એનડી ગુપ્તા અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ‘ઈન્ડિયન સ્ટેટ’ બોલીને ફસાયા રાહુલ ગાંધી: કોર્ટે પાઠવી નોટિસ, ચોથી એપ્રિલ સુધી માંગ્યો જવાબ
પાર્ટીનું ફોકસ હવે પંજાબ વિધાનસભા ચૂંટણી પર
AAPએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હવે પાર્ટીની સામે પંજાબને બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનીષ સિસોદિયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મનીષ સિસોદિયા પંજાબમાં ખૂબ જ સક્રિય હતા.