– 12 ટીમોના 36 કર્મચારીઓએ કામે લાગ્યા
– આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારોમાં નુકસાન પામેલા કાચા- પાકા મકાનોનો સર્વે શરૂ
તારાપુર : ઉપરવાસમાં ભારે વરસાદ થતા વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પૂરના પાણીના કારણે તારાપુર તાલુકાના નભોઈ, રીંઝા સહિતના ૧૨ જેટલા ગામો અસરગ્રસ્ત થયા હતા. ત્યારે ગામોમાંથી આજે પાણી ઓસર્યા હતા. ત્યારે હવે લોકોએ ઘરોમાંથી કાંપ- કાદવ કાઢવાનું શરૂ કર્યું છે.
તારાપુર તાલુકાના રીંઝા, નભોઈ, દુગારી, ફતેપુરા, ગલીયાણા, પચેગામ, ચીતરવાડા, કસ્બારા, મીરામપુરા, ખડા, મોટા કલોદરા, જાફરગંજ મળીને ૧૨ જેટલા અસરગ્રસ્ત ગામોમાં નુકસાનીનો સર્વે કરવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્રની ટીમોની ફાળવણી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે. તારાપુર તાલુકાના ૧૨ જેટલા ગામોમાં નાયબ મામલતદાર, ટેકનિકલ આસિસ્ટન્ટ અને તલાટી કમ મંત્રી સહિતની ત્રણ કર્મચારીઓની ૧૨ જેટલી ટીમાં કાર્યરત કરવામાં આવી છે. ૩૬ કર્મચારીઓની ટીમે નદીકાંઠા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલા લોકોના નાશ પામેલા નુકસાન પામેલ કાચા- પાકા મકાનોના સર્વે કરવાનું શરૂ કર્યું છે.