Vadodara Water Problem : વડોદરાના સમા ખાતે પીવાના પાણી મામલે મહિલાઓએ મોરચો કાઢી પોતાના હક માટે વોર્ડ-2 ની કોર્પોરેશન ઓફિસે આવેદન પત્ર આપવા જતી હતી, ત્યારે પોલીસે બળ પ્રયોગ કરી અટકાયત કરી હતી. આ બનાવ બાદ ત્રાહિમામ ગરમી વચ્ચે ભાજપ શાસકોએ આખી સોસાયટી વચ્ચે એક ટેન્કર મોકલીને સ્થાનિક પ્રજાની મજાક ઉડાવી હોય તેમ લાગે છે.
મહિલાઓએ કહ્યું હતું કે પાણી માટે છેલ્લા કેટલાય દિવસથી રજૂઆતો કરતા હતા, પણ કોઈ સાંભળતું ન હતું. હોબાળો મચ્યો એટલે ટેન્કર મોકલી છે, પરંતુ ટેન્કરમાંથી પણ પાણી લીકેજ થયા કરે છે. રોડ ધોવાઈ ગયો હોય એવી ટેન્કર મોકલી છે. એક ડોલ પાણીમાં એક ઘરનું કેવી રીતે પૂરું થઈ શકે? વડોદરાના ઇલેક્શન વોર્ડ 2 માં મહાકાળી સોસાયટી, સચ્ચિદાનંદ સોસાયટી, આમ્રપાલી સોસાયટી અને રાધાનગરના રહીશો ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક કોર્પોરેટર તેમજ કોર્પોરેશનના અધિકારીઓને ઘણી વાર રજૂઆત કરી થાક્યા હતા. તેમ છતાં કોઈ નિકાલના આવતા બે દિવસ અગાઉ બાપા સીતારામ મઢુલી, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે ભેગા થયા હતા, તે સમય પોલીસ આવી પહોંચી હતી અને પોલીસે મહિલાઓ સાથે ઝપાઝપી કરી હતી, અને 14 ને ડિટેન કર્યા હતા. જોકે પોલીસની આ કથીત ગેર વર્તણુક સામે ડીસીપીને તપાસ સોંપવામાં આવી છે. મહિલાઓનો પણ એક જ આક્રોશ હતો કે શું પાણી માંગવું એ અમારો ગુનો હતો?