Vadodara : વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત સનરાઈઝ કોમ્પ્લેક્સની સામે રસ્તા પરના કટ બંધ કરવા લગાવેલ બોલાર્ડ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ કોર્પોરેશનને નોંધાવી છે. હાલ અનેક સ્થળોએ બોલાર્ડ તૂટેલી હાલતમાં માર્ગ ઉપર પણ પડ્યા છે.
વડોદરા શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતા એક્શનમાં આવેલ કોર્પોરેશન અને પોલીસે સંકલન કરી માર્ગો ઉપરના બિનજરૂરી કટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા કટ બંધ થયા હતા તો ઘણા વિરોધના કારણે અટકી પડ્યા છે. તો ઘણા સ્થળોએ કટ બંધ કર્યા બાદ લોકોએ તોડી પાડ્યા છે. તેવામાં હવે કટ બંધ કરવા માટે ઉપયોગમાં લેવાતા બોલાર્ડ ચોરીની ઘટના સામે આવી છે. ટ્રાફિક શાખાના દિશા નિર્દેશ અનુસાર વડોદરા કોર્પોરેશન દ્વારા 23 માર્ચના રોજ વાઘોડિયા રોડ સનરાઈઝ કોમ્પ્લેક્સ સામે આવેલ કટ બોલાર્ડ ખીલા મારી લગાવી ટ્રાફિક બંધ કર્યો હતો. આ કટ બંધ કરવા લગાવેલ રૂ.23,400ની કિંમતના 13 બોલાર્ડ અજાણ્યો શખ્સ તોડી ચોરી ગયાની જાણ કોર્પોરેશનને થઈ હતી. જેથી વડોદરા કોર્પોરેશનની ટ્રાફિક શાખાના નાયક કાર્યપાલક ઈજનેરએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.