Ahmedabad Juhapura Accident Update: અમદાવાદના જુહાપુરામાં આવેલી આયશા મસ્જિદ પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે અનેક વાહનોને અડફેટે લઈને ભયનો માહોલ સર્જતા સ્થાનિક લોકોએ કારને રોકીને કારચાલક કૌશિક ચૌહાણને માર માર્યો હતો. જેમાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને બાતમીને આધારે કૌશિક ચૌહાણની હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસને કારમાંથી એક પ્લાસ્ટીકનો ગ્લાસ મળી આવ્યો હતો. જેમાં દારૂની વાસ આવતી હોવાથી તેણે દારૂ પીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
નશાની હાલતમાં અનેક વાહનોને અડફેટે લીધા
શહેરના ઈસનપુરમાં આવેલા વિશાલનગરમાં રહેતો 39 વર્ષીય કૌશિક ચૌહાણ મંગળવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે કાર લઈને વાસણા એપીએમસી તરફ જતો હતો ત્યારે તેની કારથી તેણે બે થી ત્રણ ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા. જેના કારણે કેટલાંક લોકોએ પીછો કરતા તેણે કારને પૂરઝડપે હંકારીને જુહાપુરા તરફ લઇ જઈને આયશા મસ્જિદ સુકુન સોસાયટી તરફ લીધી હતી. આ સમયે પણ કારની સ્પીડ વધારે હોવાથી તેણે રસ્તા પર કેટલાંક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ટોળાના મારથી મોતની આશંકા
બાદમાં સ્થાનિક લોકોએ કારને રોકીને કૌશિકને બહાર કાઢીને માર મારીને કારમાં તોડફોડ કરી હતી. જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વેજલપુર પોલીસ સ્ટેશન અને એમ ડીવીઝન ટ્રાફિક પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થિતિ કાબુમાં લીધી હતી. સ્થાનિકો દ્વારા માર મારવાના કારણે કૌશિકને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું.
આ પણ વાંચોઃ હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત
પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ
આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી અને મોબાઇલ ફૂટેજ તેમજ બાતમીને આધારે જુહાપુરાના રહેવાસી અકિલ લંઘા, સલમાન શેખ અને વેજલપુરના રહેવાસી ઇર્શાદ શેખ અને સૈયદ મૈફુઝને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.