Ahmedabad : અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં રહેતા યુવકે મેટ્રીમોનિયલ સર્વિસ દ્વારા વારાણસીની એક યુવતીને પસંદ કરીને તેની સાથે લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીના કથિત વકીલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે યુવતી સગીર છે. જેથી યુવક વિરૂદ્ધ પોક્સોનો કેસ કરવાની ધમકી આપીને સમાધાન માટે 10 લાખની માંગણી કરી હતી. જે અંગે યુવકે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
વારાણાસીમાં રહેતી યુવતી અને પરિવારજનો ઉપરાંત, મેટ્રોમીનિયલ સર્વિસના સંચાલકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
શહેરના મકરબામાં રહેતા અનિલ અગ્રવાલ નામના યુવકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે એક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. અનિલભાઇને લગ્ન કરવાના હોવાથી તેમણે ઉતરપ્રદેશમાં મેટ્રીમોનિયલનું કામ કરતા સાહીબલાલ શાહોનો સંપર્ક કર્યો હતો. જેમાં સાહીબલાલે યુવતી પસંદ આવે તો ચાર લાખની માંગણી કરી હતી. જે અનિલભાઇએ માન્ય રાખી હતી. તેમણે વારાણસીમાં રહેતી દિવ્યાસિંહનો ફોટો મોકલી આપ્યો હતો. જે પસંદ આવતા ગત 5 જુલાઇ 2024ના રોજ વારાણસીમાં મળવા માટે ગયા હતા. મુલાકાત બાદ બંનેએ સંમતિ આપી હતી. પરતુ, યુવતીના પિતાએ કહ્યું હતું કે તેના કાકા હાલ રજા પર આવ્યા હોવાથી 10 દિવસમાં જ લગ્ન કરવા પડશે. જેથી અનિલભાઇએ હા કહી હતી અને 11 જુલાઇએ આસ્ટોડિયા આવેલા શુભમ હોલમાં લગ્ન કર્યા હતા. આ સમયે અનિલભાઇએ ચાર લાખ રૂપિયા સાહીબલાલને આપી દીધા હતા.
લગ્ન બાદ દિવ્યા તેના માતા પિતા સાથે વારાણસી પરત જતી રહી હતી અને તેણે યુપીમાં ભણવાની વાત કરતા અનિલભાઇએ તેને અમદાવાદ ખાતે ભણવાનું કહેતા બંને વચ્ચે તકરાર થઇ હતી. બાદમાં દિવ્યાએ છુટાછેડા માંગ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો કે દિવ્યા સિંગલ હોવાથી તેમના પર પોક્સોનો કેસ દાખલ થશે. જો સમાધાન કરવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે. પરતુ, સતત ધમકી મળતા તેમણે આ અંગે સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.