Vadodara Crime : વડોદરા શહેરના સમા વિસ્તારમાં સંજય નગર ખાતે દારૂ લેવા માટે મોડીરાત્રીના સમયે ગયેલા યુવક પર બે બુટલેગરો તથા તેમના સાગરી તો મળી છ જણાએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની હપ્તાખોરી ના કારણે બુટલેગરો બેફામ બની ગયા છે. અને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે શું સમાના આ બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?
વડોદરા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના આશીર્વાદના કારણે ગેરકાયદેસર રીતે વિદેશી તથા દેશી દારૂના અડ્ડાઓ બિન્દાસ રીતે ધમધમી રહ્યા છે. બુટલેગરો પણ 24 કલાક કોઈ પ્રકારના ડર વિના દારૂનું ધૂમ વેચાણ કરતા હોય છે. જેના કારણે દારૂના અડ્ડા ઉપર સવાર સાંજ મેળા જેવો પણ માહોલ જોવા મળતો હોય છે. કેટલાક પોલીસની ચાલતી હપ્તાખોરીના કારણે બુટલેગરોને મોકલો મેદાન મળી ગયું છે. અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં બુટલેગરો દ્વારા લોકોને મારવામાં આવતા હોવાના કિસ્સા બનતા હોય છે. ત્યારે વધુ એક વાર બુટલેગર દ્વારા મારવામાં આવ્યો હોવાનો હિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત છે કે સમાની નવીનગરીમાં રહેતા 23 વર્ષના રાજુ મારવાડી મોડી રાત્રિના 2:15 વાગ્યાના અરસામાં સંજયનગર વિસ્તારમાં દારૂ લેવા માટે ગયો હતો. તે દરમિયાન બુટલેગર મેહુલ માળી, દીપ માળી અને તેના ચાર માણસોએ રાજુ મારવાડી સાથે ઝઘડો કર્યો હતો અને લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી યુવકને ઇજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દવાખાના વરધીના આધારે સમા પોલીસ દ્વારા માર મારનાર બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.