Gujarat Weather: ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં સરેરાશ તાપમાનનો પારો વધતા 43 ડિગ્રીને પાર થયું છે. રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીના મોજાના પગલે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ના કરાવવાનો આદેશ આપ્યો છે.
જૂન 2025 સુધી આ નિયમનો અમલ કરવાનો રહેશે
શ્રમ આયોગની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર અનુસાર, બપોરે 1થી 4:00 વાગ્યાના સમયગાળા શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્ નો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરાવવાનું પણ આદેશમાં જણાવ્યું છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલ આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન 2025 સુધી કરવાનું રહેશે. માર્ચના અંતથી જ કાળઝાળ ગરમી જોવા મળતા શ્રમ આયોગની કચેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો: શિક્ષણમાં લાલિયાવાડી! HNGU યુનિવર્સિટીએ 2025ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછ્યું
આગામી દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે
ઉલ્લેખનીય છે કે, એપ્રિલના હજુ બે સપ્તાહ પણ પૂરા થયા નથી ત્યાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. ગુરૂવારે (10મી એપ્રિલ) કંડલા એરપોર્ટે 46 ડિગ્રીની આગ વરસાવતી ગરમીમાં શેકાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદના તાપમાનમાં સળંગ ચોથા દિવસે વધારો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોને મતે પણ રવિવાર સુધી ગરમીમાં આંશિક ઘટાડો થશે. પરંતુ સોમવારથી ફરી ગરમીનું પ્રમાણ વધવા લાગશે.