Vadodara Fraud Case : વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ નારાયણ જ્વેલર્સના માલિકે પોતાના હકની મિલકતનો તેમના જ ત્રણ સગા ભાઈઓએ બારોબાર સોદો કરી નાખતા અકોટા પોલીસ મથકે ત્રણ ભાઈ સહિત પાંચ વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે.
70 વર્ષીય હરીશભાઈ અંબાલાલ ચોકસી અલકાપુરી વેલકમ હોટલની બાજુમાં નારાયણ જ્વેલર્સ નામથી શોરૂમ ધરાવી સોના, ચાંદીના અને હીરાના ઘરેણાનો વેપાર કરે છે. તેમના પિતા અંબાલાલ ચતુરભાઈ ચોકસીનું વર્ષ 1998 માં નિધન થયું હતું. જેથી તેઓએ મિલકતના દસ્તાવેજ ચકાસતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 1988 માં તેમના સગા ભાઈ અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈએ મળીને રે.સ.નં.548, 550 માં આવેલ આનંદ નગર સોસાયટીના પ્લોટ નંબર 04 અને 05માં આવેલ અવંતી ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 15 વાળી મિલકત ખરીદી હતી. જેમાં તે બંને ભાઈઓની 50-50 ટકા ભાગીદારી હતી. અશ્વિન ચોકસીએ પોતાના હિસ્સે આવતી 50 ટકા માલિકી વાળી મિલકત વર્ષ 1996માં તેમના પિતા અંબાલાલ ચોકસીને વેચી હતી. જે મિલકત નરેન્દ્ર ચોકસી અને અશ્વિન ચોકસીએ મળી રમાકાંત ચોકસીના દીકરા રવિ ચોકસી અને રવિ ચોકસીની પત્ની તોપા ચોકસીને 12.50 લાખમાં વેચાણ કરી હતી. આમ પોતાના હકની મિલકત વર્ષ 1996માં વેચાણ કરી હોવા છતાં અશ્વિન ચોકસીએ વર્ષ 2011 દરમ્યાન નરેન્દ્ર ચોકસી સાથે મળી તેઓના ભત્રીજા અને ભત્રીજાની પત્નીને વેચાણ કરી દસ્તાવેજના અવેજ પેટે રવિ ચોકસીએ નરેન્દ્ર ચોકસીને 3.12 લાખ તથા અશ્વિન ચોકસીને 3.12 લાખ ચૂકવ્યા હતા. મિલકતના બાકીના 50 ટકા ભાગની રકમ તોપા ચોકસીએ અવેજ પેટે નરેન્દ્ર ભાઈ ચોકસીને 3.12 લાખ અને અશ્વિન ચોકસીને રૂ.3.12 લાખ ચૂકવ્યા હતા. આમ, એક જ પરિવારના સભ્યો હોવાથી મિલકત અંગેની હકીકતોથી પૂરેપૂરા વાકેફ હોવા છતાં પૂર્વ આયોજિત કાવતરું રચી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ હરીશભાઈએ નોંધાવી છે.
પિતાના અવસાનનો લાભ ઉઠાવી ભાઈઓએ ખેલ પાર પાડ્યો!
અશ્વિન ચોકસીએ ફરિયાદીના પિતા અંબાલાલ ચોકસીને પોતાના કુલ મુખત્યાર નરેન્દ્ર ચોકસી અને રમાકાંત ચોકસી દ્વારા મિલકત વેચી દીધેલ હોવા છતાં ફરિયાદીના પિતાના અવસાનનો લાભ લઇ ફરિયાદીનો તેમાં વારસાઈ હક હોવા છતાં અશ્વિન ચોક્સી પોતે મિલકતનો માલિક ન હોવા છતાં માલિક તરીકે રવિ અને તોપા પાસેથી અવેજ સ્વીકારીને પોતે માલિક હોય તેમ મિલકતનું વેચાણ કર્યું હોવાનું જણાવ્યું છે
ગુનામાં સંડોવાયેલ આરોપીઓના નામ
- અશ્વિનભાઈ અંબાલાલ ચોકસી (રહે-તરુણ સોસાયટી, નટુભાઈ સર્કલ પાસે, ગોત્રી રોડ)
- નરેન્દ્ર ભાઈ અંબાલાલ ચોકસી (રહે-તરુણ સોસાયટી, નટુભાઈ સર્કલ પાસે, ગોત્રી રોડ)
- રમાંકાંતભાઈ અંબાલાલ ચોકસી (રહે-નિલામ્બર બંગ્લોઝ, વાસણા રોડ)
- રવિભાઈ રમાકાંતભાઈ ચોકસી (રહે-નિલામ્બર બંગ્લોઝ, વાસણા રોડ)
- તોપા રવિભાઈ ચોકસી (રહે-નિલામ્બર બંગ્લોઝ, વાસણા રોડ)