ડેસર તા.૧૭ વડોદરાથી ડેસર તાલુકાના ઈટવાડ પાસેની મહીસાગર નદીમાં નાહવા માટે આવેલા ૯ મિત્રો પૈકી માંજલપુર વિસ્તારના એકનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.
ડેસર તાલુકાના ઈટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ૯ યુવાનો સંબંધીની ઇકો કાર લઈને તા.૧૬ એપ્રિલે બપોરે આવ્યા હતાં. એક કલાક જેટલો સમય મજાક મસ્તી કરીને મિત્રો વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેતા હતા ત્યારબાદ મહીસાગર નદીના મોટા પથ્થર ઉપર ભેગા મળીને નાસ્તો કર્યો હતો અને વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેવા માટે પુનઃ એક વખત નદીમાં ઉતર્યા હતાં.
બપોરે આશરે ૩ વાગ્યાની આસપાસ માંજલપુરના કુંભારવાડા ખાતે રહેતો મિનેશ લક્ષ્મણભાઇ સોલંકી (ઉ.વ.૩૦) નદીનું જે તરફ વધુ વહેણ હતું તે તરફ નાહવાનો આનંદ માણતો હતો ત્યારે અચાનક નદીના વહેણમાં તણાયો હતો. મિત્રોએ તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી જોત જોતામાં ઉડાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
સ્થાનિક તરવૈયાઓની મદદથી મિનેશ સોલંકીનો મૃતદેહ શોધવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સફળતા મળી ન હતી. આજે સવારે ૧૦ વાગે એનડીઆરએફની ટીમ ઇટવાડ આવી પહોંચી હતી. શોધખોળ દરમિયાન જ્યાં સ્નાન કરતો હતો ત્યાંથી ૫૦૦ મીટર દૂર મોટા પથ્થર પાસેથી મિનેશ સોલંકીનો મૃતદેહ મળ્યો હતો.