વડોદરા,તરસાલી અને માણેજામાં સોનાના દાગીના ચમકાવી આપવાના બહાને બે ગઠિયાઓ ચાર તોલાના દાગીના તફડાવી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ ૯૦ હજાર ચાલે છે. પરંતુ, પોલીસે સોનાનો ભાવ માત્ર ૬૦ હજાર જ ગણ્યો છે.૨
તરસાલી શરદનગરમાં રહેતા ૭૨ વર્ષના કોકીલાબેન બ્રિજમોહન શાહ ગત ૩ જી માર્ચે ઘરે હતા. બપોરે ૧૨ વાગ્યે બે યુવકો ઘરે આવ્યા હતા. તે પૈકી એક વ્યક્તિએ મને કહ્યું કે, અમારી પાસે પિતાંબરી બહુ સરસ છે. તમારો તાંબાનો લોટોે એકદમ નવો કરી આપીશું. લોટો ધોઇ આપ્યા પછી તેણે મારા હાથની બંગડીઓ ધોઇ આપવાનું કહેતા મેં ચાર બંગડીઓ કાઢીને આપી હતી. તેણે કેમિકલ ભરેલા વાટકામાં મારી બંગડીઓ નાંખી ૧૦ મિનિટ રાખી હતી. ત્યારબાદ મને ગેસ પર વાટકો ગરમ કરવા કહ્યું હતું. દરમિયાન મારી બહેન આવી જતા તેણે આ બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આરોપીઓ વાટકો અને તેમાં ભરેલું કેમિકલ લઇને જતા રહ્યા હતા. બંગડીઓના વજન અંગે શંકા જતા નજીકમાં આવેલા સોનીની દુકાને જઇને તપાસ કરાવતા બે તોલા સોનુ કિંમત ૧.૨૦ લાખનું ઓછું થઇ ગયું હતું.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, માણેજા ઓમકાર ડૂપ્લેક્સમાં રહેતા શિવાનીબા ચુડાસમા ( ઉં.વ.૨૭) અને તેમના સાસુ ગત ૧૫ મી એપ્રિલે ઘરે હતા. તે દરમિયાન પિતાંબરી પાવડર વેચવાના બહાને આવેલા બે આરોપીઓએ શિવાનીબાના સાસુના સોનાના પાટલા ચમકાવી આપવાનું કહી કેમિકલ ભરેલા વાટકામાં મૂક્યા હતા. થોડીવાર પછી આ વાટકો ફ્રિજમાં મૂકીને બંને આરોપીઓ ભાગી ગયા હતા. થોડીવાર પછી મહિલાએ ફ્રિજમાંથી વાટકો બહાર કાઢીને જોયું તો આરોપીઓ સોનાના પાટલા બે તોલા વજનના કાઢી લઇ તેની જગ્યાએ પિત્તળની ધાતુ જેવા પાટલા મૂકીને ફરાર થઇ ગયા હતા.