ડ્રાઇવરે કાવો મારી બોલેરો રોડ પર ચડાવવા જતા ડિવાઇડર પર ચડી પલ્ટી ખાઇ ગઇ : ધ્રાંગધ્રાના રામપરા ગામના યુવાન તથા તેના પરિવારના સભ્યો કબરાઉ મોગલ ધામના દર્શન કરી પરત ફરતા હતા ત્યારે અકસ્માત
મોરબી, : ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના રહેવાસી યુવાન તેના પરિવાર તેમજ સાઢુભાઈ, સાસુ-સસરા સહિતના સાથે કબરાઉં મોગલધામ ખાતે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલટી મારી જતા બોલેરોમાં સવાર વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. જયારે પરિવારના ૧૦ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામના બેચરભાઈ જયંતીભાઈ દૂધરેજિયાએ બોલેરો ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી બેચરભાઈ તેના માતા પિતા, પત્ની અને પુત્ર તેમજ સાઢુભાઈ ઓધવ મુળાભાઈ બાવળિયાના પરિવારના સભ્યો અને સાસુ લક્ષ્મીબેન અને સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા અને બનેવી વિપુલભાઈ બાબુભાઈ ધરજીયાના પરિવારના સભ્યો સાથે કબરાઉં મોગલધામ દર્શન કરવાનું અગાઉ નક્કી થયું હતું. તે મુજબ નળખંભા ગામના બોલેરો નક્કી કરી હતી. અલગ અલગ જગ્યાથી ગાડીમાં પરિવારના સભ્યો બેઠા હતા અને કબરાઉં મોગલધામ દર્શન કરી પરત આવતા હતા. ત્યારે અણીયારી ટોલનાકા પાસે બોલેરો રોડ સાઈડમાં ઉતરતા જતા ડ્રાઈવરે કાવો મારી ગાડી રોડ પર ચડાવવા જતા ડીવાઈડર પર ચડી જતા ગાડી પલટી મારી ગઈ હતી. જેથી ગાડીમાં બેસેલ તમામને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતમાં સાસુ લક્ષ્મીબેન અને સસરા હીરાભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું. માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.