વડોદરા,મોબાઇલ ફોન પર વાત કરતી રેલવે ટ્રેક નજીક પહોંચી ગયેલી મહિલા ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હતું. જે અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડસર વિરામ ફ્લેટમાં રહેતા ઉપાસનાબેન નિલેશભાઇ ઠાકુરના ૮ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં બે બાળકીઓ છે. પતિ રતલામમાં નોકરી કરે છે. પતિ પત્ની વચ્ચે વિવાદ થતા હાલમાં ઉપાસનાબેન વડોદરામાં રહે છે અને ઓનલાઇન કામ કરે છે. ગઇકાલે તે મોપેડ લઇને પિયરમાંથી પોતાના ઘરે આવી હતી. ત્યાંથી તે ઘરે આવતી હતી. રેલવે ટ્રેક નજીક મોપેડ પાર્ક કરીને તે મોબાઇલ ફોન પર વાત કરતા કરતા રેલવે ટ્રેક નજીક પહોંચી ગઇ હતી. ટ્રેનની અડફેટે તેનું સ્થળ પર જ મોત થયું હતું. મોપેડના નંબરના આધારે પોલીસ તેના ઘર સુધી પહોંચી હતી.