વડોદરાઃ વડોદરામાં બોગસ ફાયર એનઓસીના કૌભાંડને પગલે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી કેટલી બોગસ એનઓસી ફરી રહી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આજવા રોડ મહાવીરહોલ ચારરસ્તા પાસે આવેલા અર્શ પ્લાઝામાં પંદર દિવસ પહેલાં લાગેલી આગને કારણે વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું.જે શરૃ કરાવવા માટે ફાયર એનઓસીની માંગણી થતાં આ એનઓસી બોગસ હોવાનું જણાઇ આવ્યંુ હતું.
ડૂપ્લિકેટ ફાયર એનઓસીમાં બે પૂર્વ ચીફ ફાયરની સહી અને નામનો ઉલ્લેખ હતો.જ્યારે,આઉટવર્ડ નંબર પર ટેન્કરની પાવતીનો નંબર હતો.જેથી હાલના ચીફ ફાયરે પોલીસ ફરિયાદ માટે તજવીજ કરી છે.આ માટે અર્શ પ્લાઝાના પ્રમુખને એક દિવસમાં તમામ દસ્તાવેજો રજૂ કરવા નોટિસ અપાઇ હતી.પરંતુ તેમણે કોઇ જવાબ નહિ આપતાં નોટિસની મુદત એક દિવસ લંબાવી છે.
આ ઉપરાંત શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગોની આવી કેટલી બોગસ એનઓસી આપવામાં આવી છે તેની તપાસ માટે ફાયર બ્રિગેડની એક ડઝન ટીમોને સર્વેનું કામ સોંપવામાં આવ્યું છે.આ ટીમો દ્વારા ૨૦૦૦ જેટલી બિલ્ડિંગોની એનઓસી ચેક કરવામાં આવનાર છે.