ગુજરાત એટીએસની ટીમે પકડયા
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ચાલીમાં રહી મજૂરી કામ કરતા હતા : અમદાવાદ લઈ જવાયા
નડિયાદ: નડિયાદમાંથી ગુજરાત એટીએસની ટીમે પંજાબમાં હત્યાના ગુનાના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડયા છે. ગયા મહિને બનેલી એક હત્યાની ઘટનામાં બંને આરોપીઓ ફરાર હતા, જે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મજૂરચાલીમાં રહેતા હતા.
મૂળ પંજાબના બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘને ગુજરાત એટીએસ ટીમે નડિયાદ પાસે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની મજૂર ચાલીમાંથી ઝડપી પાડયા છે. બંને અત્રે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.
આ બંને આરોપીઓ પંજાબના અમૃતસર જિલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં ગયા મહિને નોંધાયેલી એક હત્યાના ગુનામાં ફરાર હતા. ગુજરાત એટીએસ દ્વારા બંનેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે, જ્યાં બંને અન્ય એક હત્યાના કાવતરામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે. ગુજરાત એટીએસ દ્વારા બંનેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.