Pahalgam Terrorist Attack Reaction : આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી ફરી જમ્મુ-કાશ્મીરને ધમધણાવી દીધું છે. આતંકીઓના જૂથે આજે પહલગામના બૈસરન ગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો છે, જેમાં 20થી વધુ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. આતંકીઓની આ નાપાક હરકતના કારણે દેશભરમાં આક્રોશ ફેલાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક નેતાઓએ પણ રોષ સાથે આતંકવાદીઓને ન છોડવા અને કડક કાર્યવાહી કરવા સહિતની પ્રતિક્રિયા આપી છે.
પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો અત્યંત આઘાતજનક : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu)એ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલાને આઘાતજનક અને અત્યંત પીડાદાયક ગણાવતા તેમણે કહ્યું કે, ‘નિર્દોષ લોકો પરનો આ હુમલો એકદમ બર્બર અને અમાનવીય હતો અને તેની સખત નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો અને આ કિસ્સામાં પ્રવાસીઓ પર હુમલો અત્યંત શરમજનક અને અક્ષમ્ય છે.’
દોષિતોને બક્ષવામાં નહીં આવે : વડાપ્રધાન
આતંકી હુમલા અંગે X પર વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ લખ્યું હતું, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હું સખત નિંદા કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય. અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. દોષિતોને બક્ષવામાં નહીં આવે. આતંકવાદીઓના એજન્ડા સફળ નહીં થાય. આતંકવાદ સાથે લડવાનો અમારે સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું : અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું છે કે, ‘હું એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરવા માટે ટૂંક સમયમાં શ્રીનગર જઈ રહ્યો છું. મેં પ્રધાનમંત્રી મોદીને આતંકવાદી હુમલા વિશે જાણ કરી છે. સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. આ હુમલો કરનારા આતંકવાદીઓને છોડવામાં આવશે નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે.’
નિર્દોષ નાગરિકો કાયરતાપૂર્ણ હુમલો નિંદનીય : રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું.” નિર્દોષ નાગરિકો પરનો આ ક્રૂર હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય કૃત્ય છે.’
આતંકવાદ સામે લડવા આખો દેશ એક : રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા નાપાક આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મોત અને ઘણા ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું. આતંકવાદ સામે આખો દેશ એક છે. જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે પોતાનો જીવ ન ગુમાવે.’
जम्मू-कश्मीर के पहलगाम में हुए कायराना आतंकी हमले में पर्यटकों के मारे जाने और कई लोगों के घायल होने की ख़बर बेहद निंदनीय और दिल दहलाने वाली है।
मैं शोकाकुल परिवारों के प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की आशा करता हूं।
आतंक के खिलाफ पूरा देश…
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2025
ઘણો ભયાનક અને મોટો હુમલો : ઓમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા (Jammu and Kashmir CM Omar Abdullah)એ જણાવ્યું હતું કે, ‘મૃત્યુઆંકની તપાસ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી સત્તાવાર માહિતી આપવામાં આવશે. કહેવાની જરૂર નથી કે, આ હુમલો તાજેતરના વર્ષોમાં નાગરિકો પર થયેલા કોઈપણ હુમલા કરતા ઘણો ભયાનક અને મોટો છે.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરો : ગુલામ નબી આઝાદ
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. આઝાદે આ ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કરી પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે, આતંકવાદના બર્બર કૃત્યની કડક શબ્દોમાં નિંદા થવી જોઈએ. આઝાદે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અને પીડિતોના પરિવારોને સહાય સુનિશ્ચિત કરવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે. તેમણે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સાથે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને આતંકવાદ સામેની લડાઈમાં સાથે આવવા વિનંતી કરી છે.
‘અમે 6 વર્ષથી કહી રહ્યા છીએ…’ મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજા
આતંકવાદી હુમલા અંગે મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)ની પુત્રી અને પીડીપી નેતા ઈલ્તિજા મુફ્તીએ કહ્યું કે, ‘હું ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તેઓ તપાસનો આદેશ આપે અને આની પાછળ કોણ છે તેની તપાસ કરે. આતંકીઓનો હેતુ શું હતો? આપણી સુરક્ષા એજન્સીઓએ પણ જવાબદારી લેવી જોઈએ. અમે 6 વર્ષથી કહી રહ્યા છીએ કે, કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય નથી. જે દિલ્હીમાં બેઠેલા લોકો હજુ પણ સમજી શકતા નથી કે અહીંની વાસ્તવિકતા શું છે.’
ગુનેગારોને કડક સજા મળવી જોઈએ : ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ કહ્યું કે, ‘પહલગામ આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય છે અને તેના ગુનેગારોને કાયદા હેઠળ સૌથી કડકમાં કડક સજા થવી જોઈએ. અમે હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે ઉભા છીએ. મૃતકોના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલોના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’
નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માનવતા વિરુદ્ધ ગુનો : પ્રિયંકા
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ પહલગામમાં આતંકી હુમલાની કડક ટીકા કરતા કહ્યું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો ખૂબ જ નિંદનીય અને શરમજનક કૃત્ય છે. નિઃશસ્ત્ર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા એ માનવતા વિરુદ્ધ ગુનો છે, જે બિલકુલ અસ્વીકાર્ય છે. આખો દેશ આતંકવાદ સામે એક થયો છે અને તેની સખત નિંદા કરે છે. આ હુમલામાં ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’
માનવતા પર હુમલો : કેજરીવાલ
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો અત્યંત શરમજનક અને નિંદનીય છે. નિઃશસ્ત્ર નિર્દોષોને નિશાન બનાવવા એ માનવતા પર હુમલો છે. આ દુઃખદ ક્ષણમાં આખો દેશ એક છે, અમારી સંવેદના પીડિત પરિવારો સાથે છે અને અમે દરેક પ્રકારના આતંકવાદની સખત નિંદા કરીએ છીએ.’
હુમલા પાછળ જે લોકો છે, તેને સજા મળવી જોઈએ : મનોજ સિન્હા
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા (Manoj Sinha)એ કહ્યું કે, ‘હું પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું. હું લોકોને ખાતરી આપું છું કે, હુમલા પાછળના લોકોને સજા થશે. મેં પોલીસ મહાનિર્દેશક અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને પહેલગામમાં દાખલ લોકોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલ પ્રવાસીને જીએમસી અનંતનાગ ખસેડવામાં આવ્યા છે. હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’
વિદેશમંત્રીએ આતંકી હુમલાની કડક શબ્દોમાં કરી નિંદા
વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) આતંકી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી છે અને પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલાની નિંદા કરું છું. પીડિતોના પરિવારો સાથે અમારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓનો પર્યટકો પર ભયાનક હુમલો, આડેધડ ગોળીબાર, અનેકના મોત
આ પણ વાંચો : ‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યું?
આ પણ વાંચો : આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કડક કાર્યવાહી કરવાના આપ્યા નિર્દેશ
આ પણ વાંચો : આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હતા હુમલા