મુંબઈ : લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ટ્રમ્પના ટેરિફની છેવટે બુધવારે જાહેરાત કરવામાં આવી છે અને ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના માલસામાનની અમેરિકામાં આયાત પર ટ્રમ્પે જંગી ટેરિફ લાગુ કર્યા છે. જો કે વિશ્વના દેશોની સરખામણીએ ૨૭ ટકા ટેરિફ સાથે ભારત પ્રત્યે ટ્રમ્પે કૂણુ વલણ દાખવ્યાનું જોવા મળે છે. નવા ટેરિફ સ્તરથી ભારતના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ભારતના માલસામાન પર ટેરિફની જાહેરાતમાં અમેરિકન પ્રમુખે ફાર્મા પ્રોડકટસ તથા ઊર્જાને ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ દેશના જેમ એન્ડ જ્વેલરી તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગને ટેરિફની સૌથી ગંભીર અસર પડવાની શકયતા જોવાઈ રહી છે. બીજી હરિફ દેશો પર ઊંચા ટેરિફથી દેશના ટેકસટાઈલ ક્ષેત્રને લાભ જોવાઈ રહ્યો છે.
અમેરિકામાં ભારતની નિકાસમાં મુખ્યત્વે ફાર્મા, ટેલિકોમ સાધનો, રત્નો, પેટ્રો પ્રોડકટસ, જ્વેલરી તથા ગારમેન્ટસનો સમાવેશ થાય છે જ્યારે અમેરિકા ખાતેથી ભારતની આયાતમાં ક્રુડ ઓઈલ, કોલસા, વીજ મસીનરી તથા એરોસ્પેસ સાધનોનો સમાવેશ થાય છે.
અમેરિકા ખાતે ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંક ૧૦ અબજ ડોલર જેટલો જ્યારે ઈલેકટ્રોનિક નિકાસનો આંક ૧૪ અબજ ડોલર જોવા મળી રહ્યો છે. ઊંચા ટેરિફને કારણે આ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડવાની શકયતા છે કારણ કે જ્વેલરી તથા રત્નો પર અમેરિકા અગાઉ ૨.૧૨ ટકા જેટલી અને ઈલેકટ્રોનિક સામાન પર ૦.૪૧ ટકા ટેરિફ વસૂલતુ હતું જેમાં હવે જોરદાર વધારો થયો છે.
ઓટો પાર્ટસ તથા એલ્યુમિનિયમને નવા ટેરિફના પરિઘમાંથી બાકાત રખાયા છે, પરંતુ તેના પર અગાઉ લાગુ કરવામાં આવેલી ૨૫ ટકા ટેરિફ તો વસૂલાશે તેવી ટ્રમ્પના ઓર્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.ભારત ખાતેથી અમેરિકામાં ફાર્મા તથા ઊર્જાની એકંદર નિકાસ ૯ અબજ ડોલર જેટલો રહે છે, ત્યારે તેના પર હાલમાં કોેઈ ટેરિફ જાહેર નહીં કરાતા આ ક્ષેત્રોને રાહત થઈ છે.
ભારતના જે માલસામાનને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમાં ફાર્મા ઉપરાંત, કોપર, સેમીકન્ડકટર્સ, સોનાચાંદી, ખનિજનો સમાવેશ થાય છે. દરમિયાન ટેકસટાઈલ ક્ષેત્રમાં ભારતના હરિફ દેશો જેમ કે બંગલાદેશ, વિયેતનામ, ચીન પર ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવતા ભારતના ટેકસટાઈલ ક્ષેત્રને એડવાન્ટેજ જોવાઈ રહ્યો છે.
ભારતના જીડીપીમાં ટેકસટાઈલ ક્ષેત્રનું યોગદાન બે ટકા છે જ્યારે બંગલાદેશ અને વિયેતનામના જીડીપીમાં તેના ટેકસટાઈલ ક્ષેત્રનો હિસ્સો અનુક્રમે ૧૧ ટકા અને ૧૫ ટકા છે.