શહેરમાં સફાઈ બંધ કરવા આવેદનપત્ર આપી ચિમકી
કાયમી કરવા, વારસાઈ- પેન્શનનો લાભ આપવા પગારની વિસંગતતા દૂર કરવા સહિતની માંગણીઓ
આણંદ: આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા સહિતની માંગણીઓ ઉકેલવા ૭ દિવસની મહેતલ આપી આવેદનપત્ર આપ્યું છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલનો પ્રયત્ન કરવા મનપાએ હૈયાધારણા આપી છે.
આણંદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ તેમની સાત જેટલી માગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું હતું કે, મનપાએ રોજમદાર સફાઈ કામદારોને ૩૦ વર્ષથી કામગીરી કરવા છતાં કાયમી કર્યા નથી. હાલ મનપામો સફાઈ વિભાગમાં ૪૨૩ જેટલી જગ્યાઓ ખાલી છે તેમજ ૧૫૪નું મહેકમ હોવા છતાં માત્ર ૬૦ રોજમદારની ભરતી કરેલી છે. જેમાં માત્ર ૧૨ કર્મચારીઓ કાયમી છે. આણંદ મનપામાં કાયમી ધોરણે કામ કરતા સફાઈ કામદારોને વારસાઈનો તથા પેન્શનનો પણ લાભ મળવો જોઈએ, સેનેટરી ખાતામાં આરોગ્ય શાખામાં કામ કરતા અન્ય સુપરવાઇઝરોને તેમની મૂળ જગ્યાએ કામ કરાવવું, આણંદ મનપામાં ૧૪ સફાઈ કામદારોને ફિક્સ પગારમાં લીધા હતા જેને ત્રણ વર્ષ પૂરા થવા છતાં કાયમી કર્યા નથી. જુના કામદારોને માત્ર ૮૦૦૦ પગાર જ્યારે નવા કામદારોને ૨૧ હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. સફાઈ કરતી મહિલા કામદારો સાથે અસભ્ય વર્તન કરાય છે. ત્યારે આજે અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા આવેદનપત્ર આપી તા. ૧૭ એપ્રિલ સુધી નિરાકરણ નહીં આવે તો આણંદ મનપાના તમામ સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ કરી સફાઈની કામગીરી બંધ કરાશે.
આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણાએ જણાવ્યું હતું કે, સફાઈ કામદારોનું આવેદનપત્ર મળ્યું છે. સકારાત્મક રીતે પ્રશ્નનો ઉકેલ આવે તે રીતે કામગીરી કરવામાં આવશે. થોડા સમયમાં તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્નો કરીશું.