Rajkot Anti-Social Elements: ગુજરાતમાં છાશવારે અસામાજિક તત્ત્વોને પકડીને વરઘોડા કાઢવાની જાણે પ્રથા બની ગઈ છે. ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસની દમદાર કાર્યવાહીના ભાગરૂપે વરઘોડો કાઢીને અસામાજિક તત્ત્વોને સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ, આવા તત્ત્વોને પોલીસનો ડર પણ નથી અને કાયદો-વ્યવસ્થાની પરવાહ પણ નથી તેમ ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. રાજકોટમાં લુખ્ખાગીરીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાંક યુવકો ધોકા અને પાઇપ વડે અન્ય વ્યક્તિઓ પર હુમલો કરતા જોવા મળે છે. આ આખીય ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં, વિસાવદર-કડીની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે
કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા
સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે, આ અસામાજિક તત્ત્વો ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડી રહ્યા છે. આ યુવકો પાઇપ અને ધોકાથી કારમાં તોડફોડ કરી રહ્યા છે. 5 થી 6 જેટલાં શખસો કિશન દુધરેજીયા સહિતના વ્યક્તિઓ પર હુમલો કરી રહ્યા છે. આ સિવાય આ અસામાજિક તત્ત્વો ત્યાં પડેલી કારમાં પણ તોડફોડ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા દરમિયાન મગરે દેખા દીધી, છતાં લોકો નદીમાં સ્નાનનું જોખમ ઉઠાવી રહ્યા છે
પોલીસે હાથ ધરી તપાસ
નોંધનીય છે કે, આ મામલે મયુર બોસરીયા અને તેના પિતા રેવા બોસરીયાએ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ અસામાજિક તત્ત્વો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.